દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં ગંભીર સંકટ સર્જાયું હતું. ફ્લાઇટને કો-પાયલોટ દ્વારા હાઇજેક કરવા પ્રયાસ થયો હતો, કો-પાયલોટે ફ્લાઇટના કેપ્ટન પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને બાદમાં ફ્લાઇટ ક્રેશ કરવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદભુત સાહસ અને સમયસૂચકતા દર્શાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. કટોકટી વચ્ચે કેપ્ટન મચ્છરે પરિસ્થિતિને સંભાળી રાખતા વિમાનમાં સવાર મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.કેપ્ટન સ્મિત મચ્છરની આ બહાદુરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશેષ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “કેપ્ટન સ્મિત મચ્છર એક અસલી હીરો છે. અત્યંત ખતરનાક અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અપ્રતિમ હિંમત દર્શાવી છે. તેમની સમયસૂચકતા અને બહાદુરીના કારણે જ એક મોટો અકસ્માત ટળ્યો છે અને સેંકડો લોકો સહીસલામત બચી ગયા છે. સમગ્ર ભારત દેશને કેપ્ટન મચ્છર પર ગર્વ છે.” વડાપ્રધાને કો-પાયલટના હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ ઝડપથી સ્વસ્થ થાય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે હીરો કહ્યા
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટના અસાધારણ સાહસને બિરદાવતા તેમને ‘હીરો’ કહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન સહ-પાયલટે (કો-પાયલટ) કથિત રીતે ભારતીય પાયલટ પર અચાનક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે માનસિક સંતુલન અને સંયમ ગુમાવ્યા વિના કટોકટીની સ્થિતિમાં મદદ માંગીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમની આ સૂઝબૂઝે આકાશમાં એક મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રશંસા કરી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છરની સાહસિકતાને સલામી આપતાં ‘X’ પર લખ્યું કે: નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે, કેપ્ટન મચ્છરના આ અપ્રતિમ સાહસના કારણે જ ઈઝરાયલી નાગરિકો સહિત વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોના જીવ બચી શક્યા છે. તેઓ એક સાચા હીરો છે અને તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના કરું છું.
