ગોવાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાતા ફ્લાઈટને પરત ગોવા લઈ જવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2102એ મંગળવારે સવારે ગોવાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. જોકે, ઉડાન ભર્યાના થોડા સમય બાદ વિમાનના એક એન્જિનમાં ખામી હોવાની જાણ થઈ હતી. જેને પગલે પાયલોટે તાત્કાલિક નિર્ણય લઈ વિમાનને ગોવાના મોપા એરપોર્ટ પર પરત લાવી ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ફ્લાઇટ 6E 2102 ગોવાથી દિલ્હી માટે સવારે લગભગ 9:16 વાગ્યે રવાના થઈ હતી. ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી, એક એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની માહિતી સામે આવી. ત્યારબાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ સવારે લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી.
સૂત્રો જણાવે છે કે એન્જિનમાં ખામી સર્જાયાની જાણ થતાં વિમાનને ગોવા તરફ પાછું ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાનને સુરક્ષિત ઉતરાણ માટે મોપા એરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. હાલમાં મુસાફરોની સંખ્યા અને ટેકનિકલ ખામીના ચોક્કસ સ્વરૂપ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી સત્તાવાર નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.
