ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચવવામાં આવ્યા સાવચેતીના પગલા
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી આપવામાં આવી રહી છે. કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, હજુ પણ જે ખેડૂતોએ પોતાના પાક કે ઉપજને સુરક્ષિત રાખવા માટેના સાવચેતીના પગલાં નથી લીધા, તે સત્વરે આ માર્ગદર્શિકાને ધ્યાને લઈને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખે, જેથી તેમના મહામૂલા પાકને નુકશાનથી બચાવી શકાય.
વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 180 1551 પર પણ સંપર્ક કરી શકાશે.
ખેડૂતો માટે લેવાના સાવચેતીના મહત્વના પગલાં
* કાપણી કરેલ પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો.
* પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે.
* પાકેલા પાકની સત્વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી.
* ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.
* વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું.
* જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવા.
* એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા.
* શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો એપીએમસી માર્કેટમાં લાવવાનું ટાળવું.
* ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવો.
