ઘઉં, જીરૂ સહિતના પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસી પલળી જતાં ખેડૂતો ચિંતિત
50 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી સેંકડો વૃક્ષો અને વીજપોલ ધરાશાયી
ચૈત્રી નવરાત્રિના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજ સુધીમાં મેઘરાજાના રૌદ્રરૂૂપના દર્શન થયા હતા. વિજળીના કડાકા ભડાકા અને કલાકના 60 કિ.મી.ની તીવ્ર ઝડપે વાવાઝોડા જેવા પવન સાથે સાંજ સુધીમાં ઝાપટાંથી દોઢ ઈંચ વરસાદ ત્રાટક્યો હતો. વરસાદથી વધુ પવન તોફાની હતો. અને વરસાદથી વધુ પવન વિનાશક હતો. રાજકોટ, જામનગરમાં 100થી વધુ વૃક્ષો સહિત અનેક વૃક્ષો પડ્યાછે, અનેક પતરાં, મંડપ, તંબુ ધસી પડતા અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. ધૂળની ડમરી સાથે અંધારું છવાતા વાહન વ્યવહાર દોઢ-ખોરવાઈ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉ, જીરુ સહિત પાકને નુક્શાનના અહેવાલો મળ્યા છે, પવન ચક્કીને ફરતી બંધ કરી દેવાઈ હતી.ઠેરઠેર વિજપૂરવઠો ખોરવાયો હતો.હાલ ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહ સહિત ધાર્મિક કાર્યક્રમો મંડપ નાંખીને અનેક સ્થળોએ થયા હતા જેમાં તોફાની વરસાદથી ધરાશાયી થઈ ગયા હતાં અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તારાજી જોવા મળી હતી. વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને તેમજ યાર્ડમાં પડેલ જણસીને ભારે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઉપલેટાના પ્રાંસલામાં વીજળી પડી
ઉપલેટાલામાં ગઈકાલે બપોરના 4 કલાકે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ભારે ગાજ વીજ સાથે ધીમી ધરે વરસાદ શરૂૂ થયેલ હતો જે એક કલાકના ભવ્ય વરસાદી માહોલ સાથે ભારે ગાજવીજ અને અંદાજિત અડધો ઇંચ જેવું પાણી ઉપલેટા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છ સત્તાવાર ચોમાસું ન હોવાથી હા કે ના કોઈ આંકડાકીય માહિતી કે ઉપલેટા શહેર અથવા તો આજુબાજુના વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થયેલ નથી. જયારે બપોરના વીજુડીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયેલો ત્યારે ગામમાં વીજળી પડતા એક મહિલાને ઇજા થયેલ છે બે પુત્રોને સામાન્ય ઈજા થયેલ છે પ્રાસલા ગામે રેતી મહિલા રમાબેન રાણાભાઇ ચૌહાણ ને વીજળી પડતા ગંભીર જાતા જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ છે જ્યારે અન્ય બે પુત્રોને સામાન્ય ઈજા થયેલ છે.
વીરપુર
યાત્રાધામ વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભરબપોરે આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે દિવસ દરમિયાન રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં ફૂંકાયેલા અતિશય વેગીલા પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના લીધે વાતાવરણ અત્યંત ધૂંધળું બન્યું હતું. માર્ગો પર વિઝીબિલિટી શૂન્ય જેવી થઈ જતાં વાહનચાલકોને પોતાની લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે યાત્રાધામ વીરપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે વીજળી ગુલ થઈ ગઈ હતી.
સાવરકુંડલા
સાવરકુંડલામાં ગઈકાલે બપોરે સાવરકુંડલા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જોરદાર પવન(gusty winds)સાથે ધૂળની આંધી ઊડી અને છૂટક-છવાયો વરસાદ પડ્યો. આ પવનની અસરથી બસ સ્ટેન્ડ પાસે ઊભેલા પીકઅપ વાહનના બે પાલા (તંબુ) ઉડીને ધરાશાયી થયા. આખા વિસ્તારમાં ધૂળ ઉડીને આંધી જેવું વાતાવરણ બન્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ પહોંચી નથી.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી પંથકમાં ગઈકાલે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતો અને ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂૂ થયેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કુદરતી પ્રકોપના કારણે અનેક સ્થળોએ વીજપોલ અને વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
જામજોધપુર
જામજોધપુર શહેર તેમજ તાલુકામાં મોટી ગોપ સમાણા ધ્રાફ ધુનડા જીણા વ્રી રબારીકા સહિતનાં વિસ્તારમાં ગઈકાલે 3 થી 4 વાગ્યા દરમ્યાન ભારે પવન કરાસાથે વરસાદ પડતાં ઘઉં ચણા જીણું ધાણા સહિતના પાકોને નુકસાન થયેલ છે.
બગસરા
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જે બાદ પવન અને કરા સાથે સતત બીજા દિવસે 45 મિમિ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી માવઠાને કારણે બગસરા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને શહેરના જેતપુર રોડ ઉપર વૃક્ષો પણ ધારાશયી થયાં હતાં.
જામખંભાળિયા
ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગઈકાલે સવારથી ઉષ્ણતામાનનો પારો નીચે ઉતાર્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો. વંટોળિયા પવનના કારણે ધૂળ અને ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું. જેના કારણે ઠેર ઠેર કચરો ઉડતો જોવા મળ્યો હતો. મીની વાવાઝોડા જેવા ભારે પવનના પગલે ઠેક-ઠેકાણે દુકાનોના રસ્તા પર બેનરો ઉડતા જોવા મળ્યા હતા. જોકે થોડીવાર બાદ પરિસ્થિતિ થાળે પડી હતી અને જનજીવન રાબેતા મુજબ ચાલ્યું હતું. ભર ઉનાળે અષાઢી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વાંકાનેર
વાંકાનેર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂવારે બપોરે ચાર વાગ્યે અચાનક જ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જોતજોતામાં જ ભારે પવન ફુંકાવા લાગ્યો છે. પવનની ગતિ એટલી તેજ જોવા મળી રહી છે કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વાવાઝોડાની સાથે જ વિસ્તારમાં ઠેર ઠેર કમોસમી વરસાદ તુટી પડયો હતો, અને આશ્ર્ચર્યની વાત એ છે કે ઘણી જગ્યાએ વરસાદની સાથે બરફના મોટા કરા પણ પડયા હતાં.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા તથા નજીકના ગામોમાં વાવાઝોડાને કારણે ઝાડને, ખેતરોમાં ઉભેલા ઘઉં તથા રાયઠાના પાકને ભારે નુકસાની થઈ છે. ફલ્લા તથા નજીકનાં ગામોમાં આજે બપોરબાદ ત્રણેક કલાકે જોરદાર પવનનાં સુસવાટા સાથે વરસાદનાં સામાન્ય છાંટા પડયા હતાં. વાવાઝોડાને કારણે વૃક્ષો પડી ગયા તથા ખેતરોમાં ઉભેલા ઘઉ તથા રાયઠાના પાકોને ભારે નુકસાન થવા પામી હતી. વાવાઝોડાને પગલે ખેડૂતોમાં તૈયાર ફસલને ઘરે પહોંચાડવા માટે દોડધામ મચી ગઈ હતી.
ગોંડલ
ગોંડલ માં બપોર બાદ હવામાન પલટાયું હતુ.અને વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો ઘર મા પુરાયા હતા.ભારે તેજ પવન અને વરસાદ ને પગલે રાજમાર્ગો સુમસામ બન્યા હતાં. વાવાઝોડા ને કારણે શહેર માં અનેક વૃક્ષો ધરાશઇ થયા હતા.મોટા હોર્ડીંગ નાં લીરા ઉડ્યા હતા.કોલેજચોક માં મધુરમ પાન ઉપર આવેલુ હોર્ડીંગ ધરાશઇ થયુ હતુ. પતરા કાગળ ની માફક ઉડ્પા હતા.બસસ્ટેન્ડ માં આવેલ તોતિંગ વૃક્ષ ધરાશઇ થતા સર્વિસ સ્ટેશન તથા ઓરડી સહિત નો ભાગ તુટી પડ્યો હતો. ગોંડલ નાં ડૈયા, શિવરાજગઢ, મોવિયા સહિત નાં ગ્રામ્ય વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
