કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા. ત્યારે આ સ્થળે ધસી આવેલા પરબત રણમલ સોલંકી, તેના પુત્ર જીતેશ અને પ્રતાપ રાણા સોલંકીએ તેમને “આ જગ્યા તારા બાપની નથી” તેમ કહીને જે તાપણું કર્યું હતું તે પગથી ઉડાડી દીધું હતું. આ પછી પરબતે કહેલ કે “તમને સવારે ના પાડી હતી તો પણ અહીં તાપનું કેમ કર્યું? અહીં તાપણું કરશો તો જાનથી મારી નાખીશું”- તેમ કહી આરોપી પરબત, તેના પુત્ર જીતેશ તથા પ્રભાત રાણા સાથે મોતીબેન પરબત, સોનુબેન જીતેશ, અનિલ પરબત, કોમલબેન અનિલ અને શાંતીબેન સંજય સોલંકી નામના કુલ આઠ વ્યક્તિઓએ એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા.
એટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, માર મારી, ફરિયાદી અમિત ગામીનું ટી-શર્ટ ખેંચી કાઢ્યું હતું. આરોપીઓએ અમિત કેશુભાઈ, તેના મામી અને મામા ભરત સોલંકીને ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે મહિલાઓ સહિત તમામ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે જીતેશ પરબત સોલંકી (ઉ.વ. 28) એ આરોપી અમિત કેશુભાઈ ગામી, ભાવેશ નાગાભાઈ સોલંકી, નાગાભાઈ કરસનભાઈ સોલંકી, ભરત કરશનભાઈ સોલંકી, મંગુબેન નાગાભાઈ સોલંકી, મંજુબેન ભરતભાઈ, રાણીબેન કરસનભાઈ, જશુબેન કેશુભાઈ ગામી અને કેશુભાઈ હમીરભાઈ ગામી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી જીતેશભાઈના પિતા પરબતભાઈ સોલંકી તેમની ભાડાની ઈક્કો કાર તેમના ઘરની બાજુમાં રાખી હતી. આ ઈક્કો કાર નજીક આરોપીઓએ તાપણું કરતા તેને ના પાડી હોવા છતાં પણ પુન: પ્રથમ ચાર આરોપીઓ અહીં આપણું કરીને બેઠા હતા.
આ બાબતે ટપારતા ઉપરોક્ત આઠેય આરોપીઓએ એકસંપ કરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી, જીતેશભાઈ તેના પિતા પરબતભાઈ તેમના પત્ની સોનુબેન અને તેમના ભાભી કોમલબેનને ઇજાઓ પહોંચાડી, તેઓના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જીતેશ સોલંકીની ફરિયાદ પરથી મહિલાઓ સહિત તમામ નવ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
ભાણવડ નજીક તૂફાનની અડફેટે બાઈક સવાર યુવાનનું મૃત્યુ
ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર શિવા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 17 સી.એ. 6095 નંબરની એક તુફાન જીપના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, આ માર્ગ પર જઈ રહેલા એમ.પી. 11 એમ.ટી. 5420 નંબરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક સવાર ભવરસિંહ છીતરીયાભાઈ ચૌહાણ નામના 37 વર્ષના આદિવાસી યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ગણપતભાઈ છીતરીયાભાઈ ચૌહાણ (ઉ.વ. 37, રહે. હાલ ભીમાસા, તા. અંજાર, જી. કચ્છ, મૂળ રહે. મધ્યપ્રદેશ) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે તુફાનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
