વડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી, અમિત શાહે કહ્યું ‘PM ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’

  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને…

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણ યાત્રાને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જન્મોત્સવના ભાગરૂપે ચાર અલગ-અલગ પવિત્ર સ્થળેથી નીકળેલી બાઇક યાત્રાઓ બુધવારે વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં આવેલી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકથાન શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ શર્મિષ્ઠા તળાવ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જાહેર સેવાને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વમાં દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ, સ્પેસ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી હોવાનું તેમણે જણાવ્યું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ પરિવર્તન એક દિવસમાં આવ્યું નથી, પરંતુ નરેન્દ્ર મોદીના 25 વર્ષના પરિશ્રમ અને જનસેવાની અવિરત સાધનાનું પરિણામ છે.

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં હાટકેશ્વર મહાદેવના દર્શન કરી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે, મોદીજીના જન્મદિવસના અવસર પર મોદીજીને અને સમગ્ર દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું.

આજે મારું સૌભાગ્ય છે કે મોદીજીના જન્મદિવસના દિવસે જ હું એમના જન્મના પૈતૃક ગામમાં આવ્યો છું. અહીં પૌરાણિક કાળથી સ્થિત એક શિવ મંદિર છે, હાટકેશ્વર મહાદેવનું શિવમંદિર. હાટકેશ્વર મહાદેવનું શિવ મંદિર સોલંકી યુગથી સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. હું આજે હાટકેશ્વર મહાદેવના ચરણોમાં મોદીજીના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યપૂર્ણ લાંબા જીવન માટે કરબદ્ધ પ્રાર્થના કરું છું.

આજે અહીંથી એક યાત્રાનો શુભારંભ થશે. આ સેવા સંકલ્પ અભિયાનનો હિસ્સો છે. આ યાત્રા વડનગરથી વારાણસી સુધી નીકળશે. મોદીજીની જન્મભૂમિથી લઈને મોદીજીની કર્મભૂમિ સુધી. યાત્રા હાટકેશ્વર મહાદેવના પ્રાંગણથી નીકળીને કાશી વિશ્વનાથના ચરણો સુધી પહોંચશે.

આ યાત્રા અનેક ગામોમાં 25 વર્ષના મોદીજીના કામનો સંદેશ પહોંચાડતા પહોંચાડતા નીકળશે.

આ 25 વર્ષ હું એટલા માટે કહી રહ્યો છું કે આજે મોદીજીનો જન્મદિવસ છે, પરંતુ 7 ઓક્ટોબર એ દિવસ છે જે દિવસે મોદીજી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે 25 વર્ષ પૂર્ણ કરશે.

જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધી કોઈ પણ રાજનેતાએ 25 વર્ષ સુધી રાજ્યના મુખિયા અને દેશના મુખિયા તરીકે સેવા આપવાનો રેકોર્ડ નથી બનાવ્યો. મોદીજી એકમાત્ર એવા નેતા છે જેમણે 25 વર્ષ સુધી સતત જનાદેશ પ્રાપ્ત કરીને, દરેક ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને, જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને આ કામ કર્યું છે.

આ દેશના સાર્વજનિક જીવનમાં બહુ મોટી વાત છે. અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળોએ નક્કી કર્યું છે કે આ અવસરને દેશભરની જનતા સુધી લઈ જઈશું.

કેટલાક લોકો જે વક્રદ્રષ્ટા હોય છે, તેમણે કહ્યું કે આની શું જરૂરત છે? હું આજે તેમને કહેવા માંગુ છું. મોદીજીનું જીવન એવું જીવન છે જે ભારતના દરેક બાળકને, દરેક કિશોરને અને દરેક યુવાને તેનો પરિચય કરાવવો જરૂરી છે, જેથી આવનારા દિવસોમાં આમાંથી સેંકડો નરેન્દ્ર મોદી નીકળે અને ભારતને પોતાની જગ્યા પર પહોંચાડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *