ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સત્તાવાર પત્ર મારફતે HUDA માંથી હિંમતનગર આસપાસના 11 ગામોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ સત્તામંડળની રચનાને લઈને વ્યાપક વિરોધ નોંધાયો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી બેઠક બાદ HUD અને સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ શહેરી વિકાસ વિભાગે આ નિર્ણય પર સત્તાવાર અમલ કર્યો છે.
હિંમતનગરમાં શહેરી વિકાસ સત્તામંડળનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. ખાસ કરીને તેમાં સમાવિષ્ટ 11 ગામોના રહેવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ શરૂૂ થયો હતો. ગામલોકોએ હુડા રદ કરવાની માંગ સાથે બેઠકો અને ચર્ચાઓ યોજી હતી. આ વિરોધને વધુ સુવ્યવસ્થિત બનાવવા સરપંચો અને આગેવાનો દ્વારા એક સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી. આગામી સમયમાં આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી સ્થાનિકોનું માનવું હતું કે આ યોજના તેમના હિતોને નુકસાન પહોંચાડશે. જેના પગલે ગામ સ્તરે વિરોધ શરૂૂ કરીને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
હિંમતનગરમાં વર્ષ 2015 મા પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ 11 ગામોના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે તે સમયની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે HUD અને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે ફરી એકવાર એ જ પરિસ્થિતિ સર્જાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો અને ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ યોજના સ્વીકારવા તૈયાર નથી.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર HUDA ના ડ્રાફ્ટ પ્લાનમાં લગભગ 40 ટકા જમીન કપાત થવાની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. આ કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી હતી. નિયમો મુજબ જમીન સંપાદન ન થવાનું કહેવામાં આવતું હોવા છતાં પ્લાનમાં દર્શાવાયેલી જોગવાઈઓએ શંકા ઉભી કરી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અરજીઓ આપીને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બીજી તરફ સત્તામંડળના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે કોઈની જમીન કબજે લેવામાં નહીં આવે. રિંગ રોડ સહિત ઉપયોગમાં લેવાતી જમીન બદલ સમકક્ષ ફાઈનલ પ્લોટ આપવાની જોગવાઈ હોવાનું પણ જણાવાયું હતું.
