જનકસિંહ જાડેજા નામના એકાઉન્ટધારક સામે ફરિયાદ
ગોંડલના સામાજિક કાર્યકર પીયૂષ લાલજીભાઈ રાદડિયાએ પોતાની જાનનું જોખમ હોવાનું જણાવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ફેસબુક મેસેન્જર પર અભદ્ર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી મળતાં પીયૂષ રાદડિયાએ ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, ગત 5 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે 2:59 વાગ્યે જનકસિંહ જે. જાડેજા નામના શખસે પીયૂષ રાદડિયાના ફેસબુક આઈડી પર અભદ્ર મેસેજો અને ઓડિયો કોલ કરવાનું શરૂૂ કર્યું હતું. મેસેન્જરના માધ્યમથી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.
પીયૂષ રાદડિયા ગોંડલના વિવિધ સળગતા મુદ્દે સોશિયલ મીડિયા અને સામાજિક સ્તરે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે પોતાની અરજીમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ રાજકુમાર જાટ મર્ડર કેસમાં ન્યાયની માગ, અલ્પેશ કથીરિયાના ગોંડલ આગમન સંદર્ભેની સક્રિયતા, પાટીદાર સગીર દીકરી સાથે થયેલા અન્યાય સામે વિરોધ જેવા સામાજિક કાર્યોને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.
અરજદારે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ધમકી આપનાર જનકસિંહ જાડેજાના ફેસબુક એકાઉન્ટમાં ગણેશ જાડેજા સાથેના ફોટા જોવા મળ્યા છે. પીયૂષ રાદડિયાને શંકા છે કે, તેમની સામાજિક સક્રિયતા ગણેશ જાડેજાને ખટકતી હોવાથી, તેમને ડરાવવા માટે જનકસિંહ દ્વારા આ ધમકી આપવામાં આવી છે.
