રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલી મહીરાજ હોટલની બાજુમા ચા – પાનની દુકાન ધરાવતા હોટલ સંચાલક પાસેથી સીગરેટ, ફાકી અને પાણીની બોટલ લઇ અને પૈસા નહી આપી આરોપીએ ધમકી આપ્યાની પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ કોઠારીયા ગામે આવેલા જય પાર્કમા રહેતા નીતીન છગનભાઇ આહીર નામના ર6 વર્ષના યુવાને આરોપી તરીકે રવિ ગૌસ્વામીનુ નામ આપતા તેમના વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા હેડ કોન્સ્ટેબલ એ. એચ. ગોહેલ તપાસ ચલાવી રહયા છે. નીતીનભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ મહીરાજ હોટલ નજીક ચા, પાનની દુકાન ચલાવી વેપાર કરે છે. ગઇકાલે સવારના નવેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે પિતાજી દુકાનેથી ઘરે આવ્યા હતા અને વાત કરી કે રાત્રીના ત્રણેક વાગ્યે પોતે તેમજ કારીગર અમિત અને નાનજીભાઇ દુકાને હાજર હતા ત્યારે રવિ ગૌસ્વામી આવ્યો હતો અને તેમણે દુકાનેથી સીગારેટ, ફાકી અને પાણીની બોટલ માગી હતી.
જેથી તેમને આપી હતી અને આ વસ્તુના પૈસા માંગતા તેમણે એકેય રૂપીયો આપવાનો થતો નથી. કહી નેફામાથી છરી કાઢી હતી અને ધમકી આપી કે મારી પાસેથી રૂપીયા માંગશો તો આટલી વાર લાગશે અને ગાળો બોલતો હતો તેમજ ગ્રાહકોને પણ હેરાન કરતો હતો તેમજ પોલીસ પણ મારૂ કાંઇ નહીં કરી શકે અને ફરીયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશ. તેમ કહી ત્યાથી જતો રહયો હતો. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.
