ગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

    એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ભુણાવા ટોલનાકા પાસે ACBએ હોટલમાં…

 

 

એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ભુણાવા ટોલનાકા પાસે ACBએ હોટલમાં રંગેહાથ ઝડપ્યો છે. આરોપીની પત્ની હેડ કોન્સ્ટેબલ છે. પેટ્રોલ પંપના NOC મંજૂર કરવાના બદલામાં 50,000 રૂૂપિયાની માંગણી કરનાર અધિકારી સામે ACBએ જાળ બિછાવી હતી. નોંધનીય છે કે પકડાયેલા અધિકારીની પત્ની પોલીસ વિભાગમાં જ ફરજ બજાવે છે.

ઘટનાની વિગતો મુજબ, એક ફરિયાદીના ક્લાયન્ટના પેટ્રોલ પંપ માટે 3 ફાયર NOC (FSPA અને FSCA)ની ફાઈલો મંજૂર કરાવવાની પ્રક્રિયા બાકી હતી. આ કામગીરી કરી આપવાના અવેજ પેટે ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર (વર્ગ-3) સંજય વિરમભાઇ વાસાણીએ 50,000 રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમે રાજકોટ-જૂનાગઢ હાઈવે પર ભુણાવા ટોલનાકા પાસે આવેલી ’જય ભવાની હોટલ’ ખાતે છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ, આરોપી સંજય વાસાણી લાંચની રકમ લેવા માટે હોટલ પર પહોંચ્યો હતો. પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ જેવી તેણે 50,000 રૂૂપિયાની રકમ સ્વીકારી, તેવી જ રીતે છુપાઈને ઉભેલી ACBની ટીમે તેને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

પકડાયેલા અધિકારી સંજય વાસાણીના પત્ની ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. એક જવાબદાર અધિકારી અને પોલીસ પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિ ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાતા સમગ્ર પંથકમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં ACBએ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *