રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી અંબિકાનગર ગલીમાં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા 42 વર્ષીય હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા નામના વેપારી સાથે 10 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જસદણના બાવન ચોક વિસ્તારમાં રહેતા અભિલવ ખાચર ઉર્ફે લાલો નામના શખ્સ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગત 12 ઓગસ્ટ 2026ના રોજ આરોપી અભિલવે ફરીયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે તેના જસદણ સ્થિત આઈ.આઈ.એફ.એલ. ગોલ્ડ લોન ફાઇનાન્સમાં 131 ગ્રામ સોનાના દાગીના ગીરવે પડેલા છે. નાણાં અને વ્યાજ ન ભરાતાં બેંક દ્વારા દાગીનાની હરાજી કરવાની તૈયારી હોવાનું જણાવી આરોપીએ ફરિયાદીને દાગીના છોડાવીને પોતાના વેચાણ અર્થે રાખી લેવાની લાલચ આપી હતી.
આ લાલચમાં આવીને ફરિયાદી 13 ઓગસ્ટ 2026ના રોજ બેંક ખાતે પહોંચ્યા હતા, જ્યાં સોના પર કુલ રૂૂ. 14,05,000નો બોજો હતો. દાગીનાની હરાજી અટકાવવા અને ખરીદવાના હેતુથી ફરિયાદીએ પોતાના ખાતામાંથી ઓનલાઈન લિંક મારફતે રૂૂ. 10,00,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ 20 ઓગસ્ટ 2026ના રોજ જ્યારે ફરિયાદી ફાઇનાન્સ કંપનીની શાખા ખાતે રૂૂબરૂૂ ગયા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આરોપી અભિલવ ખાચરે તેમની ગેરહાજરીમાં જ લોનની બાકી રકમ ભરીને સોનાના દાગીના છોડાવી લીધા છે અને લોન એકાઉન્ટ બંધ કરાવી દીધું છે.
છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ જ્યારે આ બાબતે આરોપી અભિલવનો સંપર્ક કરીને પોતાના નાણાં અથવા સોનાના દાગીના પરત માગ્યા, ત્યારે આરોપીએ તેમને દાગીના અને રૂૂપિયા ભૂલી જવાની સૂચના આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હાર્દીપભાઈ ધોરડાએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4) અને 351(3) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર મૂળજીભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.
