શહેરમાં રોજ દિનદહાડે મારામારીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસની આબરૂૂના લીરોં ઉડાવતી ઘટના પોલીસ કમિશનર કચેરીથી ગણતરીના અંતરે આવેલા પારસી અગિયારી ચોકમાં બની હતી.જેમાં જાહેરમાં હિંસક મારામારી થઈ હતી.ખુલ્લેઆમ ગૂંડાગીરી વચ્ચે મહિલા બચાવવા જતા તેને પણ ધકકો મારી પછાડી દેવાઈ હતી. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ સમયે એક જાગૃત રાહદારીએ બંને યુવકોના ઝઘડામાં વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
પ્રાપ્તિ વિગતો અનુસાર, ગત તારીખ 30 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજના આશરે છ વાગ્યાના અરસામાં પારસી અગિયારસી ચોક ખાતે બે શખ્સો જાહેરમાં અંદરોઅંદર ઝઘડો કરી જાહેર શાંતિ ડહોળી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફની ટીમ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની ફરજ પર હતી ત્યારે આ વાયરલ વીડિયો ધ્યાને આવતા પોલીસે તુરંત તપાસ શરૂૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતા બંને ઈસમો સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતાં પ્રથમ ઈસમે પોતાનું નામ રોહિતભાઈ મનસુખભાઈ સોલંકી (ઉંમર વર્ષ 20, રહે. લીંબડા ચોક પાસે ફૂટપાથ, રાજકોટ) અને બીજા ઈસમે પોતાનું નામ સંજયભાઈ ગોવિંદભાઈ વાજેલીયા (ઉંમર વર્ષ 22, રહે. ફૂટપાથ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. બંને શખ્સોએ જાહેર જગ્યામાં બખેડો કરી શાંતિ ડહોળવાનું કૃત્ય કર્યું હોય, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તોફીકભાઈ દાદુભાઈ મંધરાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 194(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,જો રાહદારીએ સમયસર હિંમત ન દાખવી હોત તો વધુ એક લોહિયાળ ઘટનાની શક્યતા નકારી શકાય તેમ ન હતી.
