દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી
રાજકોટના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી જાણીતી સોની વેપારી પેઢી ’કે.વી. એન્ડ સન્સ’ના બે કર્મચારીઓ પાસેથી બિહારના દાનાપુર રેલવે સ્ટેશન નજીક અંદાજે રૂૂ. 25 કરોડની કિંમતના 17 કિલો સોનાના ઘરેણાની લૂંટ થતા સોની બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લૂંટારુઓએ ફિલ્મી ઢબે કસ્ટમ ઓફિસરની ઓળખ આપીને ધોળેદહાડે આ લૂંટને અંજામ આપ્યો હતો. ઘટનાની મળતી વિગતો મુજબ રાજકોટની કે.વી. એન્ડ સન્સ પેઢીમાં નોકરી કરતા મહેશ લલિતભાઈ મામતોરા (ઉ.વ. 35) અને પ્રિન્સ જીતેન્દ્રભાઈ રાણપરિયા (ઉ.વ. 25) બિહારના સ્થાનિક વેપારીઓને સોનાના ઘરેણાની ડિલિવરી આપવા માટે નીકળ્યા હતા. તેઓ અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન મારફતે બિહારના દાનાપુર રેલવે સ્ટેશને ઉતર્યા હતા.
સ્ટેશનેથી ઉતરીને તેઓ રિક્ષા મારફતે પટણાના બાકરગંજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ખગોલ ઓવરબ્રિજ પાસે અગાઉથી જ વોચ ગોઠવીને ઉભેલા આઠ જેટલા લૂંટારુઓએ રિક્ષાને આંતરી હતી. આ લૂંટારુઓ એક બલેનો કાર અને બાઈક પર આવ્યા હતા. લૂંટારુઓએ પોતાનો પ્લાન અત્યંત ફૂલપ્રૂફ બનાવ્યો હતો. તેઓએ સરકારી એજન્સીના અધિકારીઓ જેવો દેખાવ કરવા માટે સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યા હતા.
રિક્ષા રોક્યા બાદ તેઓએ પોતાની ઓળખ ’કસ્ટમ ઓફિસર’ તરીકે આપી હતી. બંને કર્મચારીઓને ધમકાવીને જણાવ્યું હતું કે, “તમારી પાસે કસ્ટમ-એક્સાઈઝ ચોરીનો માલ છે, અમારે ચેક કરવો પડશે.”સામાન તપાસવાના બહાને લૂંટારુઓએ 17 કિલો સોનાના ઘરેણા ભરેલી બેગ કબજે કરી લીધી હતી અને વધુ પૂછપરછ માટે ઓફિસે લઈ જવાનું કહી બંને કર્મચારીઓને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારને થોડે દૂર નિર્જન સ્થળે લઈ જઈ, બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનું લૂંટી બન્નેને ત્યાં જ મૂકી સોનું લઇ લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર કર્મચારીઓએ તાત્કાલિક દાનાપુર પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ બિહાર પોલીસે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી.
તપાસ દરમિયાન પોલીસને લૂંટમાં વપરાયેલી બ્લુ કલરની બલેનો કાર નંબર BR-01-AT-7486 હાઇવે થી થોડે દુર બિનવારસી હાલતમાં મળી આવી છે. રાજકોટથી બિહાર અને અન્ય રાજ્યોમાં સોનાના ઘરેણાનો મોટો વેપાર થાય છે. આ લૂંટની ઘટનાને પગલે રાજકોટના સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં લૂંટારુઓને કર્મચારીઓની અવરજવરની સચોટ માહિતી હોવાનું જણાય છે, જે કોઈ મોટી ગેંગ અથવા ટીપ-ઓફની આશંકા જન્માવે છે. હાલમાં બિહાર પોલીસની અલગ-અલગ ટીમો લૂંટારુઓનું પગેરું મેળવવા માટે ધમધમાટ ચલાવી રહી છે.
લુંટારુઓને પકડવા બિહારની સ્પેશિયલ ઇન્વેસ્ટમેનટીગેશન ટીમની રચના
રાજકોટના કે.વી.એન્ડ સન્સ નામની પેઢી ચલાવતા સોની વેપારીએ બિહાર મોકલેલ રૂૂ.25 કરોડના 17 કિલો સોનાની લુંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. બિહારના દાનાપુર રેલવે સ્ટેશન નજીક બનેલી લૂંટની ઘટનાથી રાજકોટના સોની વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે બિહારના દાનાપુરના એએસપી શિવમ ભાકરના માર્ગદર્શન હેઠળ આ લુંટનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટમેનટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટની કે.વી.એન્ડ સન્સ નામની પેઢીના કર્મચારીઓ પાસેથી સોનાની લૂંટ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો છે.આ લુંટનો ભેદ ઉકેલવા માટે એસઆઈટીની રચના કરી અલગ અલગ ટીમ લુંટારૂૂઓનું પગેરું મેળવવા માટે દાનાપુર રેલવે સ્ટેશન થી લઇ ખગોલ ઓવરબ્રિજ પાસેના તેમજ હાઈવે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. જે રીતે લૂંટારુઓએ વેશભૂષા કરી હતી, તે જોતા તેઓ પ્રોફેશનલ ગુનેગારો હોય તેવું પોલીસ માની રહી છે.
