જામનગરની ઓળખ સમાન રણમલ તળાવની સુંદરતા જાળવવા માટે એક તરફ વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તળાવની આસપાસ જાહેરમાં કચરો ઠલવાતો હોવાના કારણે સમગ્ર વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણ સામે સવાલો ઊભા થયા છે. મીગ કોલોનીથી તુલસી ટ્રાવેલ સુધીના માર્ગ પર ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળતા હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
તળાવની આસપાસ ખુલ્લામાં ફેંકવામાં આવતા કચરામાં ખાદ્ય પદાર્થો સહિતનો કચરો હોવાથી ગાય સહિતનાં પશુઓ આ કચરો ખાવા મજબૂર બને છે. પરિણામે પશુઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થાય છે. બીજી તરફ કચરો લાંબા સમય સુધી પડ્યો રહેતા દુર્ગંધ, ગંદકી અને મચ્છર-જીવાતોના ઉપદ્રવની સમસ્યા સર્જાવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, આસપાસ આવેલી કેટલીક હોસ્પિટલો તથા મેડિકલ સ્ટોર્સમાંથી નીકળતો કચરો પણ યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવાને બદલે જાહેર સ્થળોએ ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો છે. ખાસ કરીને હોસ્પિટલોમાંથી નીકળતા તબીબી કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે સામાન્ય કચરા કરતાં વધુ ગંભીર પ્રશ્ન બની શકે છે. આવા કચરાનો નિકાલ નિયમ મુજબ થાય છે કે કેમ તેની તપાસ કરવાની માગ પણ ઉઠી છે.
રણમલ તળાવ માત્ર શહેરનું એક તળાવ નહીં પરંતુ જામનગરની ઓળખ અને સુંદરતાનું મહત્વનું કેન્દ્ર છે. ત્યારે તેની આસપાસ સતત ગંદકી ફેલાતી રહે અને કચરાના ઢગલા જોવા મળે તો તળાવના સૌંદર્ય પર સીધી અસર પડે છે.
તળાવની આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહાનગરપાલિકાએ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત ન રહેતા કચરો કોણ અને ક્યાંથી નાખે છે તેની પણ તપાસ કરવી જરૂૂરી બની છે.
લોકોની માગ છે કે મીગ કોલોનીથી તુલસી ટ્રાવેલ સુધીના સમગ્ર પટ્ટામાં તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવે, કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આસપાસની હોસ્પિટલો તથા મેડિકલ સ્ટોર્સમાંથી નીકળતા કચરાના નિકાલની પણ તપાસ કરવામાં આવે. નિયમોનો ભંગ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ રણમલ તળાવ અને તેની આસપાસના જાહેર વિસ્તારને કચરાના સ્થળમાં ફેરવી ન શકે.
રણમલ તળાવની સુંદરતા જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં, પરંતુ નાગરિકોની પણ છે. જાહેરમાં કચરો નહીં નાખવાની સમજદારી સાથે મહાનગરપાલિકા પણ કચરો ફેંકનારા સામે સતત દેખરેખ અને કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.
