અંબિકા ટાઉનશિપના આધેડે બિમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ગેરેજ ચલાવતા ગેરેજ સંચાલકનું રતનપર ગામ પાસે કારમાં જ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા હર્ષ દિલીપભાઈ દેસાઈ નામના 25 વર્ષના યુવકનો રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં રતનપર ગામ પાસેથી કારમાંથી બેભાન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હર્ષ દેસાઈ માતા પિતાનો આધાર સ્થભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને મોરબીમાં ગેરેજ ચલાવતો હતો મિત્રની કાર લઈને બહાર ગયા બાદ પરત નહીં આવતા પરિવારે ફોન કર્યા હતા પરંતુ ફોન રિસીવ નહીં કરતા શોધખોળ દરમિયાન કારમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અંબિકા ટાઉનશીપ નજીક આવેલ સીટી ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ મનસુખભાઈ (ઉ.વ.57)એ આચકીની બીમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
