વધુ 30 હજારની માંગણી કરવા દુકાને આવેલ મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા
જેતપુરમાં રેહતા એક વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ખોટા કેસની ધમકી આપી નાણાં પડાવતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે બે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નકળંગ આશ્રમ રોડ પર રહેતા અને મતવા શેરીમાં ક્રિષ્ના સાડી નામની દુકાન ધરાવતા 60 વર્ષીય વેપારી જગદિશભાઈ બાબુભાઈ રૈયાણીએ આ ફરિયાદ નોંધાવી છે. ગત 10 જાન્યુઆરી 2026ના રોજ મમતા નામની એક મહિલા પાંચ વર્ષના બાળક સાથે તેમની દુકાને સાડી ખરીદવા આવી હતી. સાડીની ખરીદી બાદ આ મહિલા વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ગત 23 માર્ચના રોજ મમતાએ વેપારીને ફોન કરી આક્ષેપ કર્યો હતો કે સાડી બતાવતી વખતે વેપારીએ તેનો હાથ પકડ્યો હતો. આ બહાના હેઠળ તેણે વેપારી પાસે 10,000 રૂૂપિયાની માંગણી કરી અને જો પૈસા ન આપે તો બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. સામાજિક બદનામીના ડરથી વેપારીએ શરૂૂઆતમાં 7,000 રૂૂપિયા આપી દીધા હતા.
ત્યારબાદ આ ટોળકીમાં રમાબેન અને મહેબુબ નામના શખ્સો પણ સામેલ થયા હતા. તેઓ અવારનવાર વેપારીની દુકાને જઈને રાડો પાડી, ધમકાવીને કટકે કટકે અત્યાર સુધીમાં અંદાજે 20,000 રૂૂપિયા પડાવી ગયા હતા. 13 એપ્રિલના રોજ ફરી આ ટોળકીએ વેપારી પાસે 30,000 રૂૂપિયાની માંગણી કરી હતી.
સતત માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને વેપારીએ તેમના પિતરાઈ ભાઈને જાણ કરી હતી, જેમણે પોલીસને બોલાવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય આરોપીઓ મમતા, રમાબેન અને મહેબુબ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 308(7), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલ મમતા, રમાબેન અને મહેબુબ ત્રણેય જેતપુર રહે છે. જેતપુર પોલીસે આ હનીટ્રેપના મામલે આ ટોળકીએ અન્ય કોઈ વેપારીઓને પણ નિશાન બનાવ્યા છે કે કેમ તે બાબતે ઊંડી તપાસ હાથ ધરી છે.
