લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મહિલાનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને લિફ્ટના બહાને ફસાવતા, ત્યારબાદ મારપીટ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મોટી રકમની ખંડણી વસૂલતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાની બાઇક પર દીકરીના ખબર-અંતર પૂછવા દામનગર જઈ રહ્યા હતા. રસ્તામાં લાઠી ચોકડી પાસે એક મહિલાએ ભુરખીયા સુધી લિફ્ટ માગતા ફરિયાદીએ માનવતાના ધોરણે તેને બાઇક પર બેસાડી હતી. ભુરખીયા દરવાજા નજીક પહોંચતા જ પાછળથી આવેલી ફોરવ્હીલ કારમાં આવેલા આરોપીઓએ બાઇક અટકાવી ફરિયાદીને માર માર્યો હતો. ત્યારબાદ મહિલાને સાથે બેસાડવાના બહાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂૂ. 2.50 લાખની ખંડણીની માંગ કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી ગુગલ-પે મારફતે રૂૂ. 58 હજાર ટ્રાન્સફર કરાવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા લાઠી પોલીસને સૂચના આપી હતી. ત્યારબાદ લાઠી પોલીસે ભાવનગર અને અમદાવાદ શહેર પોલીસની મદદથી સઘન તપાસ શરૂૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આખરે ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે ઘનશ્યામ લાઠીયા, નિલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટીયા અને હેતલબેન સોરઠીયાની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ મહિલાઓની મદદથી અલગ-અલગ વિસ્તારોમાં હનીટ્રેપ ગોઠવી નિર્દોષ લોકોને બ્લેકમેલ કરી ખંડણી વસૂલતા હતા. આરોપી ઘનશ્યામ સામે અગાઉથી સાત, નિલેશ સામે ચાર અને રાજેશ સામે ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

લાઠી પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીના રૂૂ. 58 હજાર રોકડા, ચાર મોબાઈલ ફોન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોરવ્હીલ કાર કબજે કરી છે. સમગ્ર મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાઠી DYSP વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી પાસેથી પડાવાયેલા રૂૂ. 58 હજાર સંપૂર્ણ રીતે રિકવર કરવામાં આવ્યા છે. ઉપરાંત ચાર મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ફોરવ્હીલ કાર પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે અને તેઓ સુરતથી મહિલાઓનો સંપર્ક કરી તેમની મદદથી વિવિધ જિલ્લાઓમાં હનીટ્રેપ ગોઠવી નિર્દોષ લોકોને ફસાવી ખંડણી વસૂલવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. સમગ્ર મામલે વધુ તપાસ હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *