ભાવનગર પોલીસને મોટી સફળતા, દિવસે ભક્ત બની રેકી કરતા અને રાત્રે તે જ મંદિરમાં ત્રાટકતા
ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ધાર્મિક સ્થળો અને મંદિરોને નિશાન બનાવી 100 જેટલી ચોરીની વારદાતોને અંજામ આપનાર બે આંતર જિલ્લા રીઢા ચોરોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઓગાળેલા ઢાળીયા, કાર અને રોકડ સહિત કુલ રૂૂપિયા 5,83,050/- નો મુદ્દામાલ કબ્જે કરી મંદિર ચોરીના અનેક વણશોધાયેલા ગુન્હાઓનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે.
ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સખત સૂચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા પીએસઆઈ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા અને સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં તપાસમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ મંદિર ચોરીઓમાં પકડાયેલ અતુલ પ્રવિણભાઇ ધકાણ અને ભરત સોની એક સફેદ કલરની મારૂૂતિ સેલેરીયો કાર (નંબર: GJ-27-BE-3218) લઈને પીપળીયા પુલ ભાવનગર જવાના રસ્તે ઉભા છે અને તેમની પાસે શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી આ બંને શખ્સોને આંતરી લીધા હતા. સોના-ચાંદીના જથ્થા અંગે કોઈ બિલ કે સંતોષકારક આધાર ન રજૂ કરી શકતા પોલીસે આ મુદ્દામાલ શકપડતી મિલકત ગણી કબ્જે કર્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી.
પોલીસની આગવી ઢબે પૂછપરછ દરમિયાન બંને તસ્કરો ભાંગી પડ્યા હતા અને તેઓએ છેલ્લા લાંબા સમયથી ભાવનગર, અમરેલી, અમદાવાદ રૂૂરલ, અમદાવાદ સીટી, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા અંદાજે 100 જેટલા મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના તથા છત્રની ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. હાલમાં આ ટોળકી ઝડપાતા ઘોઘા પોલીસ સ્ટેશન, મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશન અને દાઠા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ત્રણ તાજેતરના ગુન્હાઓ ડિટેક્ટ થયા છે. આ ટોળકીની વધુ તપાસ માટે તેઓને ઘોઘા પોલીસને સોંપવામાં આવ્યા છે અને રાજ્યના અન્ય જિલ્લાઓની પોલીસને પણ આ અંગે વાકેફ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
પકડાયેલા આરોપીઓમાં (1) અતુલભાઇ પ્રવિણભાઇ ધકાણ (ઉ.વ.46, રહે. મૂળ-નવાગામ, તા. ગારીયાધાર, જિ. ભાવનગર, હાલ-નરોડા, અમદાવાદ) અને (2) ભરતભાઇ પ્રવિણભાઇ થડેશ્વર (ઉ.વ.47, રહે. મૂળ-કરીયાણા, તા. બાબરા, જિ. અમરેલી, હાલ-નરોડા, અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસ રેકોર્ડ મુજબ, બંને આરોપીઓ રીઢા ગુન્હેગાર છે. અતુલ ધકાણ વિરૂૂદ્ધ અગાઉ અમરેલી, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય, ગીર સોમનાથ અને ગાંધીનગરમાં ચોરી અને ઘરફોડ ચોરીના 16 ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેને અગાઉ ખાંભા કોર્ટે 3 વર્ષની જેલની સજા પણ ફટકારેલી હતી. જ્યારે ભરત થડેશ્વર વિરૂૂદ્ધ પણ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ 15 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની નથ અને સર, 2 સોનાના ઓગાળેલા ઢાળીયા (કુલ વજન 21.400 ગ્રામ, કિંમત રૂૂ. 2,33,050/-), 2 ચાંદીના ઓગાળેલા ઢાળીયા (કુલ વજન 998 ગ્રામ, કિંમત રૂૂ. 81,000/-), રોકડા રૂૂ. 3,000/-, બે મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 10,000/-) અને ચોરીમાં વપરાયેલી મારૂૂતિ સુઝુકી સેલેરીયો કાર (કિંમત રૂૂ. 2,50,000/-) મળી કુલ રૂૂપિયા 5,83,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોરી કરવાની વિશિષ્ટ મોડસ ઓપરેન્ડી
આ આરોપીઓ સામાન્ય ભક્ત બનીને મંદિરોમાં દર્શન કરવાના બહાને જતા અને રેકી કરતા હતા. ત્યારબાદ જ્યારે મંદિર બંધ હોય અથવા બપોર કે રાત્રિના સમયે ત્યાં કોઈ હાજર ન હોય, ત્યારે મંદિરના તાળા તોડી અંદર પ્રવેશતા હતા. તેઓ મુખ્યત્વે મૂર્તિ પર ચડાવેલા સોના-ચાંદીના દાગીના, છત્ર, નથ તેમજ દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવે છે. તેઓએ ઘોઘાના સારવદર, જાફરાબાદના ટીંબી, સાવરકુંડલા, ધારી, જેતપુર, બરવાળા, ગાંધીનગર, નડીયાદ અને અમદાવાદના વસ્ત્રાલ, નરોડા, રાણીપ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોના 100 મંદિરોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વી.સી.જાડેજા, પી.ડી. ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.
