જામનગર જિલ્લા ના કાલાવડ ના મોટી વાવડી તથા હકુમતી સરવાણીયા ગામની સીમમાં પવનચક્કીઓ માંથી ચોરાયેલા કોપર વાયર સાથે બે શખ્સને પોલીસે પકડી લીધા છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી ચોરાઉ વાયર, સાધનો તેમજ ચોરી કરવા માટે વાપરેલુ બાઈક વગરે કબજે લીધા છે.
કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી એક પવનચક્કીની સાઈટ પરથી તેમજ હકુમતી સરવાણીયા ગામની સીમમાં બે પવનચક્કીમાંથી અર્થિંગના કોપર વાયરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પીઆઈ પીજી પનારા તથા સ્ટાફ દ્વારા તેની તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
દરમિયાન ઉપરોક્ત ચોરીઓમાં સંડોવાયેલા બે શખ્સ અરલા ગામ થી મચ્છલીવાડ ગામ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો. જેમાં મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલમાં પ્રભુજી પીપળીયા રોડ પર રહેતા શૈલેષ રમેશભાઈ ગોહિલ તથા વિમલ પ્રવીણભાઈ સોલંકી ઉર્ફે જગો નામના બે શખ્સ બાઈક પર પસાર થયા હતા.
આ શખ્સોને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સોએ ચોરાઉ 36 મીટર વાયર કાઢી આપી ચોરીની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસે થી બાઈક, લોખંડ ની છીણી, હથોડી, ગ્રાઈન્ડર, તણી, ચોરાઉ વાયર મળી રૂૂ..2,13,640 ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે.
