જૂનાગઢમાં GPCBના નકલી અધિકારીઓની ટોળકી ઝળકી

જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં ઈશ્વર પ્લાસ્ટિક નામના કારખાનામાં જીપીસીબીના અધિકારીઓ અને મીડિયાના કર્મચારીઓ તરીકે ઓળખ આપી ફોરવ્હીલ ગાડીમાં ત્રાટકેલી ટોળકીના કથિત તોડબાજીના પ્રયાસથી ચકચાર મચી છે.…

જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં ઈશ્વર પ્લાસ્ટિક નામના કારખાનામાં જીપીસીબીના અધિકારીઓ અને મીડિયાના કર્મચારીઓ તરીકે ઓળખ આપી ફોરવ્હીલ ગાડીમાં ત્રાટકેલી ટોળકીના કથિત તોડબાજીના પ્રયાસથી ચકચાર મચી છે. આજે બપોરે આશરે 3,થી 3:30 વાગ્યાના અરસામાં એક કારખાનામાં પહોંચેલી આ ટોળકીએ કારખાનેદારને રૂૂ.2.50 લાખનો દંડ કરવાની વાત કરી દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. દંડની વાતથી શંકા જતા કારખાનેદારે તાત્કાલિક જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટીયાનો સંપર્ક કર્યો હતો.

કારખાના માલિકનો ફોન મળતા પરેશભાઈ ચોવટીયા સ્થળ પર પહોંચ્યા હતા અને પોતે જીપીસીબીના અધિકારીઓ તથા મીડિયાના કર્મચારીઓ હોવાનો દાવો કરનારા શખ્સોની ઝીણવટભરી પૂછપરછ શરૂૂ કરી હતી. તેમની ઓળખ, કાર્યવાહી તથા રૂૂ.2.50 લાખના દંડ અંગે સવાલો કરવામાં આવતા ટોળકીની વાતોમાં શંકાસ્પદ બાબતો સામે આવી હતી. પૂછપરછનો સિલસિલો આગળ વધતાં સમગ્ર મામલો કથિત તોડબાજીના પ્રયાસ સાથે સંકળાયેલો હોવાની શંકા વધુ ઘેરી બની હતી.

આ દરમિયાન પોલીસને બોલાવવાની વાત કરવામાં આવતાં જ ટોળકીના સભ્યોની જાણે હવા નીકળી ગઈ હોય તેમ ત્યાંથી રવાના થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ઉદ્યોગકારની જાગૃતતા અને એસોસિએશન પ્રમુખની સમયસૂચકતાના કારણે કથિત તોડબાજીનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટીયાએ અન્ય કારખાનેદારોને પણ સાવચેત કર્યા હતા. ટોળકી સાથે થયેલી વાતચીતના ઓડિયો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસારીત કરી અન્ય કોઈ ઉદ્યોગકાર આ પ્રકારની ટોળકીની ચુંગાલમાં ન ફસાય તે માટે જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈ કારખાનેદાર આ રીતે ફસાયો હોય અથવા આવી વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તો તાત્કાલિક પોલીસ અથવા એસોસિએશનનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *