જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપી વિપુલ વાલજી જેઠવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ આદેશ અન્વયે એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી.
આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.જેમાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 409, 406, 465, 468, 471 અને 120(બી) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ આર.કે. પરમાર ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે, આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી વિપુલ વાલજી જેઠવા, જે મૂળ માળીયા હાટીના તાલુકાના બુધેચા ગામનો રહેવાસી છે અને ખાનગી નોકરી કરે છે, તે પોતાના ગામ બુધેચા ખાતે હાજર છે. બાતમીના આધારે SOGની ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ ખૂબ જ મોટું અને ચોંકાવનારું છે. અગાઉ 17 સપ્ટેમ્બર, 2025ના રોજ પણ આ જ મામલે SOG દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિમાં અંદાજે 4.60 કરોડ રૂૂપિયાની માતબર રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જૂનાગઢમાં કુલ 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. વર્ષ 2014 થી 2016 દરમિયાન આ સંસ્થાઓએ પોતાની સંસ્થાના બેનર હેઠળ ખોટા વિદ્યાર્થીઓના નામે નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતા અને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી કરોડોની રકમ મેળવી લીધી હતી. આ સંચાલકોએ સરકારને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના હકની 4,60,38,550 રૂૂપિયાની રકમ ચાઉં કરી દીધી હતી.
તપાસમાં એવું પણ ખુલ્યું હતું કે, આ રકમ જે-તે વિદ્યાર્થીઓને ક્યારેય મળી જ નહોતી પરંતુ, સંચાલકો અને આચાર્યોએ ખોટા ચેક મેળવીને ઉચાપત કરી લીધી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ 15થી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ તપાસ ચાલુ છે.
