માલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયો

શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે…

શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે રૂૂ. 80 હજારની રોકડ કબજે કરી છે. ગેંગમાં સામેલ અન્ય ત્રણ મહીલા તસ્કરોની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્કમાં રહેતાં વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક અજાણી મહિલા સહિતના શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજની બાજુમાં આવેલ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ કંપનીના શોરૂૂમ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા. 23 ના રાત્રીના દાગીનાના સ્ટોક ગણતરી કરતા સ્ટોકમાં એક સોનાનો ચેઇન નંગ-01 જેનું વજન 27.59 ગ્રામ, 22 કેરેટ જેની કિંમત રૂૂ.4.72 લાખનો મળી આવેલ નહી. સીસીટીવી ફુટેજ જોતા ફુટેજમાં ગઈ તા.23 ના બપોરના 04/50 વાગ્યે એક અજાણી સ્ત્રી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ ડીસ્પ્લેય ટ્રે માંથી સોનાનો ચેઇન ચોરી કરતી નજરે જોવામા આવેલ છે. જે અંગે ફરીયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઈ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગર અને સર્વેલન્સ પીએસઆઈ એસ.એમ. રાણાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ચોરીની ઘટનામાં આંતરરાજ્ય ગેંગ સામેલ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન એ ડિવિઝન પોલિસે મહારાષ્ટ્રના પુણાથી ધનરાજ વિજયભાઈ પરમાર(ઉવ 49 રહે. પુણા, મહારાષ્ટ્ર)ને દબોચી પૂછપરછ કરતા મોટા ખુલાસા થયાં હતા.

આરોપીએ કબૂલાત આપી હતી કે, તે અને વર્ષા ધીરજભાઈ પરમાર(રહે. થાણે, મુંબઈ), ચંદા નાગપુરે (રહે. થાણે, મુંબઈ) અને શ્યામાદેવી (રહે. થાણે, મુંબઈ) એમ ચારેય શખ્સો કારમાં અહીં રાજકોટ ખાતે આવ્યા હતા. ચારેય એકસાથે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ શો રૂૂમમાં ત્રાટક્યા હતા. દરમિયાન વર્ષા અને ધનરાજ બાજુ બાજુમાં બેસી ઘરેણાં જોતા હતા. બાદમાં તકનો લાભ મળતા જ વર્ષાએ રૂૂ. 4.62 લાખનો સોનાનો ચેઇન સેરવી લીધો હતો. જે બાદ ચારેય શો રૂૂમમાંથી નીકળી ગયા હતા અને કારમાં જ રાજસ્થાનના ખાટુશ્યામ તરફ નાસી ગયા હતા.

બાદમાં ચારેય પોતપોતાના ઘરે પરત ફરી ગયા હતા. દરમિયાન વર્ષાએ સોનાનો ચેઇન વેંચી રોકડી કરી લીધી હતી અને ચોરીની ભાગબટ્ટાઈમાં ધનરાજને રૂૂ. 80 હજાર મળ્યા હતા. જેથી એ ડિવિઝન પોલીસે ધનરાજ વિજયભાઈ પરમારની ધરપકડ કરી રૂૂ. 80 હજારની રોકડ રીકવર કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયારે ચોરીને અંજામ આપનાર વર્ષા પરમાર સહિત ત્રણેય મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ શો રૂૂમમાં નજર ચૂકવી સોનાના ચેઇનની ચોરીને અંજામ આપનાર ગેંગ વિરુદ્ધ આ પ્રકારે જ ચોરી કરી લેવા મામલે સુરત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ભોપાલમાં પણ ગુના નોંધાઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *