ખંભાળિયામાં વહેલની ઉલટી-સિંહ નખ- કસ્તુરી સાથે ટોળકી ઝડપાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે અમરેલી જિલ્લાના બે શખ્સોને એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે તથા ધ્રોલ તાલુકાના એક શખ્સને કસ્તુરી અને સિંહના બે…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે અમરેલી જિલ્લાના બે શખ્સોને એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે તથા ધ્રોલ તાલુકાના એક શખ્સને કસ્તુરી અને સિંહના બે નખ સાથે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 1,08,00,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ઊભેલા બે શખ્સોને ઝડપી લઇ, પૂછતાછ કરતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રહીશ એવા રાકેશ ભગવાનજીભાઈ રામજીભાઈ સાંખટ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લાખા બાલાભાઈ ચનાભાઈ ડોડીયા નામના આ બે શખ્સો પાસે કોથળીમાં છુપાવીને રાખવામાં આવેલી વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) ના ટુકડા મળી આવ્યા હતા. આ એમ્બરગ્રીસનું વેચાણ કરવા ઉપરોક્ત બંને શખ્સો ગ્રાહકોને શોધવા માટે નીકળતા અહીં ઝડપાઈ ગયા હતા.

આમ, આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 1,06,50,000 ની કિંમતની 1 કિલો 65 ગ્રામ જેટલી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) નો જથ્થો કબજે કરી, આ અંગે મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આગળની કાર્યવાહી કરવા અર્થે જાણ કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન સ્ટાફના વિજયસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલા એક મંદિર પાસેથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ફિરોજ મામદ મકવાણા નામના શખ્સની અટકાયત કરી, ચેકિંગ દરમિયાન તેના પેન્ટમાં છુપાવીને રાખવામાં આવેલી કસ્તુરી તથા સિંહના બે નખ મળી આવ્યા હતા. જેના કોઈપણ પ્રકારના આધાર કે પુરાવા તેની પાસે ન હતા.

આમ, આરોપી ફિરોઝ મકવાણાના કબજામાંથી પોલીસે રૂૂ. એક લાખની કિંમતની કસ્તુરી તેમજ રૂૂ. 20,000 ની કિંમતના સિંહના બે નખ કબજે કરી, આગળની તપાસ અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને માહિતગાર કરવામાં આવ્યા છે. આ બંને કાર્યવાહી દરમિયાન પોલીસે રૂૂ. 1,06,50,000 ની કિંમતની એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી), રૂૂ. એક લાખની કિંમતની કસ્તુરી અને રૂૂપિયા 20 હજારની કિંમતના સિંહના બે નખ મળી કુલ રૂૂપિયા એક કરોડ સાત લાખ સીતેર હજારનો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *