રાજકોટ શહેરમા ભકિતનગર વિસ્તારમા રસ્તે ચાલીને જતા અને મોબાઇલ પર વાત કરતા વ્યકિતના મોબાઇલ ઝુટવી ફરાર થઇ જતી બેલડીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી પાડી છે. આ ઘટનામા બંનેની પુછપરછમા કુલ 10 ગુનાની કબુલાત આપી હતી.
વધુ વિગતો મુજબ એલસીબી ઝોન 1 ની ટીમના પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનુરૂપગીરી ગૌસ્વામી, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહીતનો સ્ટાફ ભકિતનગર વિસ્તારના દેવપરા શાકમાર્કેટ પાસે પેટ્રોલીંગમા હતો ત્યારે શંકાસ્પદ જણાતી જીજે 27 ટીએ 2048 નંબરની રીક્ષાને અટકાવી બે શખ્સોના નામ પુછતા તેઓએ પોતાના નામ સંજય શંકરલાલ રાજાણી (રહે. જંગલેશ્ર્વર શેરી નં 1પ મુન્નાભાઇના મકાનમા) અને એજાઝ ફારૂક પરમાર (રહે. મહેશ્ર્વરી સોસાયટી શેરી નં ર ભવાની ચોક રાજકોટ) હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ બંને પાસેથી 9 મોબાઇલ મળી આવ્યા હતા.
જે અંગે તેમની પુછપરછ કરતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ નહી આપતા બંનેને પોલીસ મથકે લઇ જવાયા હતા અને સઘન પુછપરછ કરતા કબુલાત આપી હતી કે તેઓ રસ્તે ફોન પર વાતચીત કરી પગપાળા જઇ રહેલા લોકોના મોબાઇલ ઝુટવી લેતા હતા.
આ સાથે એલસીબી ઝોન 1 ની ટીમે આરોપી સંજય અને એજાઝ પાસેથી 9 મોબાઇલ તેમજ 1 ચોરાઉ રીક્ષા સહીત રૂ. 1.14 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આરોપી સંજય અગાઉ જુગાર તેમજ તફડંચીના ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
