સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…

જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી

સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને પોલીસે જેલમાંથી કબજો મેળવી રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ફરિયાદી હસમુખભાઈ નારણભાઈ કોટડીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ’ઇન્ટીફાય સોલાર’ (INTIFY SOLAR PVT. LTD.) ની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં સસ્તા દરે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

જાહેરાતના આધારે સંપર્ક કરતા, મુસ્કાન પટેલ નામની મહિલા અને તેના સાગરીતોએ હસમુખભાઈને વિશ્વાસમાં લીધા હતા. તેમણે 3.5 કિલો વોટની સોલાર પેનલ માટે કુલ રૂૂ. 1,49,000 ની લોન અને અન્ય રૂૂ. 17,465 રોકડા મળી કુલ રૂૂ. 1,66,465 કંપનીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

પૈસા ચૂકવ્યાના મહિનાઓ બાદ પણ સોલાર પેનલ ન લાગતા હસમુખભાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ માત્ર ગોંડલ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ સક્રિય છે. આ ટોળકી સામે જામનગર સાયબર પોલીસ, જામનગર સી-ડિવિઝન, પાટણવાવ અને પડધરી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી કાનાભાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ પગારદાર કર્મચારી તરીકે કામ કરતા હતા.

ગોંડલ બી-ડિવિઝન પોલીસે આ મામલે જામનગર જિલ્લા જેલમાંથી પાંચ આરોપીઓ – હિરેન લાઠીયા, ચેતન પાણખાણીયા, રાહુલ ભટ્ટ, રામજી લોધી અને અભય પરમાર – ની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, મુસ્કાન પટેલ, ફજલ દોશાણી અને મુખ્ય સૂત્રધાર કાનાભાઈ બૈયડીયાવદરા હજુ પોલીસ પકડથી દૂર છે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023ની કલમ 316(5), 61(2) તથા આઈ.ટી. એક્ટની કલમ 66(ઈ) અને 66(ઉ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. જે.પી. રાવ ચલાવી રહ્યા છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર સસ્તા ભાવની લાલચ આપતી જાહેરાતોથી સાવધ રહેવા અને કોઈપણ વ્યવહાર કરતા પહેલા કંપનીની અધિકૃતતા તપાસી લેવા અપીલ કરી છે. જો કોઈ આ આરોપીઓના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *