રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. 876, હુશેની ચોક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે તારીખ 05/04/2026ના રોજ રાત્રિના 20:10 કલાકે પોલીસે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા ત્યાં ગોળ કુંડાળું વળીને મહિલાઓ અને પુરુષો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે તુરંત જ આ વિસ્તારને કોર્ડન કરી જુગાર રમતા કુલ આઠ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી તેમજ આરોપીઓની અંગ ઝડતી દરમિયાન કુલ રૂૂ. 15,850ની રોકડ રકમ અને 52 નંગ ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સોમાં વિજયભાઈ ચંદુભાઈ સોનરાત, કનુભાઈ જીણાભાઈ ધ્રાંગીયા અને હિંમતભાઈ કાન્તીલાલ દેવહિતકાનો સમાવેશ થાય છે, જેઓની પોલીસે પંચનામું પૂર્ણ થયા બાદ રાત્રે 21:10 કલાકે વિધિવત ધરપકડ કરી હતી. આ ઉપરાંત, પાંચ મહિલા આરોપીઓ ઇન્દુબેન મનોજભાઇ સોલંકી, ભગવતીબેન વિજયભાઇ સોનરાત, ઇન્દુબેન કિશોરભાઇ ગૌસ્વામી, નીતાબેન હિતેષભાઈ કીડીયા અને ગીતાબેન મગનભાઇ રંગપરા પણ જુગાર રમતા પકડાયા હતા.
આ મામલે પોલીસે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પકડાયેલા મહિલા આરોપીઓને રાત્રિના સમયને કારણે કાયદાકીય સમજ આપીને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેઓને બીજા દિવસે સવારે 12:00 કલાકે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી આજીડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદને આધારે હેડ કોન્સ્ટેબલ દેવાંગભાઈ પાલા દ્વારા સંભાળવામાં આવી રહી છે.
