જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે અગાઉ આરોપીને હત્યા પ્રયાસ કેસમાં પકડીને જેલ હવાલે કરી દીધો હતો, જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી (55), જેઓ ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર આજથી પાંચ દિવસ પહેલાં વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
રમેશભાઈ નવીવાસ વિસ્તારના એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતીએ ત્યાં આવી બળજબરીથી 20 રૂૂપીયા ની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જામનગરના સીટી એ. ડિવિઝન ના પી. આઈ. વી.એમ. ડોડીયા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. વી.એમ. ગામેતી અને તેઓની ટીમેં આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભોયો ગામેતી ને અગાઉ હત્યા પ્રયાસ કેસમાં ઝડપી લીધો હતો, અને હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લીધી હતી, અને તેને જેલ હવાલે પણ કરી દેવાયો હતો. દરમિયાન આ બનાવ હત્યામાં પલટાયો હોવાથી તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ઝેરી સર્પના ડંખથી એક મહિલાનું મૃત્યુ
જામજોધપુર તાલુકાના પાટણ ગામે દુર્ઘટનાજન્ય ઘટનામાં એક મહિલાનું સાપના ડંખથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે, અને પરિવારમાં ગમગીની ફેલાઈ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલ તા. 20 એપ્રિલના રોજ બપોરે અંદાજે 14:45 વાગ્યા પહેલા કોઈપણ સમયે આ બનાવ બન્યો હતો.
મૃત્યુ પામનાર હંસાબેન નરશીભાઈ ખીમાણીયા (ઉ.વ. 46), જાતે કોળી અને વ્યવસાયે મજૂરી કરતા હતા, તેઓ પોતાના રહેણાંક મકાન ખાતે લાકડાના ભારા સરખા કરી રહ્યા હતા. તે દરમિયાન લાકડાના ભારા વચ્ચે છુપાયેલ ઝેરી સાપે અચાનક ડંખ માર્યો હતો. જેથી તેઓને વિપરીત અસર થઈ હતી.
દરમિયાન અન્ય પરિવારજનો દ્વારા તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે જામજોધપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે તેમના પતિ નરશીભાઈ પુનાભાઈ ખીમાણીયા (ઉ.વ. 49) દ્વારા જામજોધપુર પોલીસ ને માહિતી આપવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ આર. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
