ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો

શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર…

શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર તેના સાગ્રીત સાથે તેના ઘર ધસી આવ્યો હતો. ઘરે ધસી આવેલા શખ્સે પિતા-પુત્ર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવોલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સંત કબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતો નિકુંજ મનસુખભાઈ વિઠલાણી નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં આર.વર્લ્ડ સિનેમા પાસે આવેલા કવાર્ટરમાં રહેતા મિત્ર જીતુ વાણંદે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે ઈજાગ્રસ્ત નિકુંજ વિઠલાણીએ થોરાળા પોલીસ મથકમાં મિત્ર જીતુ વાણંદ અને તેની સાથે ધસી આવેલા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે,નિકુંજ વિઠલાણીએ સાતમ આઠમ ઉપર જીતુ વાણંદને રૂપિયા આઠ હજાર હાથ ઉછીના આપ્યા હતાં. જે રૂપિયા પરત આપી જવા નિકુંજે ફોન કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી મિત્ર જીતુ તેના સાગ્રીત સાથે છરી સાથે ધસી આવ્યો હતો અને નિકુંજના પિતા મનસુખભાઈ સાથે ઝપાઝપી કરી પિતા-પુત્ર ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *