નીટના પેપરલીક અને પરીક્ષા કૌભાંડોના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની આગ હવે ભાજપના ઘર સુધી પહોંચી છે અને ગુજરાતમાં ભાજપના નારાજ નેતા પૂર્વમંત્રી જવાહર ચાવડાએ સૌપ્રથમ ખુલ્લો પત્ર લખી યુવાનોના હિતમાં અવાજ ઉઠાવી ચિંતા વ્યક્ત કરી છે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોના હિતમાં એક અપીલ કરતો પત્ર જાહેર કર્યો છે. હાલમાં દેશભરમાં અને રાજ્યમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનો અને અસંતોષને લઈને તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના હક્કો માટે દરેક નાગરિકે આગળ આવવું જોઈએ તેવો સૂર તેમણે આ પત્રમાં વ્યક્ત કર્યો છે.
આ પત્રમાં જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલા આંદોલનથી દરેક સંવેદનશીલ માણસ વ્યથિત છે અને કોઈપણ જવાબદાર નાગરિક આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી શકે નહીં. તેઓ છેલ્લા એક વર્ષથી યુવાનોની વચ્ચે જઈને એમની બેરોજગારી, શિક્ષણની સમસ્યાઓ તથા વારંવાર થતી પેપર લીકની ઘટનાઓથી થતા અન્યાય અને દુ:ખથી પ્રત્યક્ષ રીતે વાકેફ થયા છે. આ તમામ અનુભવોને આધારે તેમણે સમસ્યાના કાયમી સમાધાન અને પરામર્શ માટે રાજ્યના મુખ્યમંત્રી પાસે રૂૂબરૂૂ મુલાકાતનો સમય માંગ્યો છે અને હાલ તેઓ તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. તેમણે પત્રમાં વધુમાં ઉમેર્યું છે કે ગાંધીના ગુજરાતમાં યુવાનો અને વિદ્યાર્થીઓ તેમની સાથે વારંવાર થતા અન્યાય છતાં શાંત રહ્યા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની ચૂકી છે. આ પરિસ્થિતિને થાળે પાડવા અને યુવાનોને ન્યાય અપાવવા માટે સહુએ સાથે મળીને અસરકારક પગલાં લેવા જ પડશે. જવાહર ચાવડાએ દરેક જાગૃત નાગરિક, વાલીઓ અને સભ્યોને પક્ષ, નાત, જાત અને ધર્મના ભેદભાવથી પર થઈને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવવા નમ્ર અપીલ કરી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે જો આજે આપણે જવાબદારી નહીં નિભાવીએ તો આવતીકાલે આપણાં સંતાનો આપણને બેજવાબદાર માનશે.હાલમાં દિલ્હી ખાતે નીટ પરીક્ષાના પેપર લીક અને ધાંધલીને લઈને વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.આંદોલન અને વિરોધ પ્રદર્શનોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે આક્રોશનો માહોલ સર્જાયો છે. જવાહર ચાવડાનો આ પત્ર પણ યુવાનોના આ જ આક્રોશ અને અસંતોષને વાચા આપવાનો એક પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે.
