ખંભાળિયા નજીક જાહેરમાં બેફામ બાઈક સ્ટંટ કરતા ચાર શખ્સો ઝડપાયા

ખંભાળિયા વિસ્તારમાં ભયજનક રીતે બાઈક હંકારીને તેમજ રેસિંગ કરતા બાઇકર્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક…

ખંભાળિયા વિસ્તારમાં ભયજનક રીતે બાઈક હંકારીને તેમજ રેસિંગ કરતા બાઇકર્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પી.એસ.આઈ. જે.બી. જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા તાજેતરમાં ઓવર સ્પીડ તેમજ ભયજનક રીતે બાઈક રેસિંગ કરતા ચાર શખ્સોના એક વાઇરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ અંગે તાકીદની કાર્યવાહી કરી, જાહેર માર્ગ પર ભયજનક રીતે અને પૂરપાટ ઝડપે રેસિંગ કરતા અલગ અલગ ચાર બાઈકર્સને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સોની પોલીસે બાઈક ડીટેઈન કરી, દંડનીય કાર્યવાહી કરીને આ તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જુગાર રમતા ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા કલ્યાણપુર પંથકમાં જુગાર દરોડો પાડી, સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડામાંથી રૂ. 2.35 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં રહેતા સાજણ માણસુરભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ગંજીપાના વડે રમાડવામાં આવતો જુગાર ઝડપાયો હતો. આ જુગારના અખાડામાંથી પોલીસે સાજણ માણસુર ગઢવી, ખીમા નારણ ચાવડા, દેશુર અરજણ ચાવડા, ખીમા રાણા પારીયા, વિશાલ શાંતિલાલ દાવડા, શાંતિલાલ ઓધવજી આરંભડિયા અને અશોક નાથાલાલ ઠાકર નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.

આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 54,200 ની રોકડ રકમ તથા રૂ. 30,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા એક ઈક્કો મોટરકાર અને એક એક્ટિવા મળી કુલ રૂપિયા 2,34,700 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ખીમાભાઈ કરમુર અને સહદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *