RMCમાં નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટ્રીમાં જબરૂ લોબિંગ

સાંસદ રામભાઇ, પુરષોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન-કાનગડ-ટીલાળા-ભાનુબેન, વજુભાઇ વાળાની ભલામણ વચ્ચે હાઇકમાન્ડમાં હોદ્દા માટે પસંદગીનુ ધમાસાણ મુખ્ય પાંચ હોદા માટે પેનલ વાઇઝ નામ થયા વાયરલ, જો…

સાંસદ રામભાઇ, પુરષોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન-કાનગડ-ટીલાળા-ભાનુબેન, વજુભાઇ વાળાની ભલામણ વચ્ચે હાઇકમાન્ડમાં હોદ્દા માટે પસંદગીનુ ધમાસાણ

મુખ્ય પાંચ હોદા માટે પેનલ વાઇઝ નામ થયા વાયરલ, જો કે ટિકિટની જેમ હોદેદારોની પસંદગીમાં પણ પાર્ટી અખતરો કરે તો નવાઇ નહી

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ સમિકરણ મુજબ હોદાની ‘વહેંચણી’ થાય એ નિશ્ચિત : મેયરપદ કોને આપવુ? તે માટે મોવડી મંડળની મોટી કસોટી

 

રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના હોદેદારોના નામ માટે પાર્લામેન્ટ્રી બોર્ડમાં પસંદગીની કવાયત ચાલી રહી છે. સેન્સ દરમિયાન અઢળક દાવેદારોએ હોદાની માગણી કરી હતી. તેમાથી મુખ્ય પાંચ હોદા એટલે કે શહેરના પ્રથમ નાગરિક મેયર, મલાઇદાર સ્ટેન્ડીંગ ચેરમેન, મોભાદાર ડેપ્યુટી મેયર, શાસક નેતા અને દંડકની ખુરશી માટે છેલ્લી ઘડી સુધી જબરું લોબીંગ ચાલી રહ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ સમિકરણ મુજબ હોદાની વહેચણી થાય એ નિશ્ચિત છે. એ દરમિયાન મુખ્ય પાંચ હોદા માટે પેનલવાઇઝ નામ વાયરલ થવા લાગ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે નવા સુકાનીઓ નિયુક્ત કરવાની પ્રક્રિયા આજથી ફરી શરૂૂ થઈ છે. 15 મહાપાલિકાઓ- 33 જીલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં કોને જવાબદારી સોંપવી તેની કવાયત ચાલી રહી છે. અગાઉ ગત સપ્તાહે એક દિવસ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરાના કાર્યક્રમથી પુર્વ તૈયારીના કારણે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ વ્યસ્ત થતા બેઠક મુલત્વી રખાઈ હતી જે આજે ફરી શરૂૂ થઈ છે.રાજકોટ મહાનગરપાલિકાના મેયર-ડે.મેયર સહિતના પાંચ પદાધિકારીઓ માટે નામની પસંદગી લગભગ આજ રાત સુધીમાં ફાઇનલ થઇ જશે. જો કે સસ્પેન્સ પરનો પડદો જનરલ બોર્ડમાં કવરમાંથી જ ખુલશે. જનરલ બોર્ડ તા.18 મે બાદ મળશે તેવા સંકેત છે.બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરા પ્રવાસમાંથી હવે પક્ષના નેતાઓ ફ્રી થતા ફરી લોબીંગ ફરી તેજ થયુ છે.

રાજકોટના રાજકારણમાં જેના હાથમાં પાવર છે તેવા મોટા નેતાઓમાં સાંસદ રામભાઇ મોકરિયા, રમેશભાઇ રૂૂપાપરા, વજુભાઇ વાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરિયા સહિતનાએ પોતાના ચહિતા ચહેરાને હોદો અપાવવા માટે હાઇકમાન્ડમાં જબરી ભલામણનું જોર લગાવ્યુ છે. જો કે પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજયમાં જે રીતે અનામત રોટેશન છે તથા આગામી વર્ષના અંતે વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે તે તમામ ફેકટરને ધ્યાનમાં રાખીને નવા પદાધિકારીની પસંદગી થશે એ નિશ્ચિત છે.

ચર્ચા મજબ કોના માટે કોનુ લોબિંગ(ભલામણ)
* નેહલ શુક્લની પસંદગી માટે સાંસદ રામભાઇ મોકરિયા, કશ્યપ શુક્લ
* અંજનાબેન મોરજિયા માટે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ
* પરેશભાઇ પીપળિયા, કાળુભાઇ કુગશિયા માટે ધારાસભ્ય ઉદય કાનગડ
* ભારતીબેન પરસાણા, મિતલબેન લાઠિયા માટે ભાનુબેન બાબરિયા
* મનિષભાઇ ભટ્ટ માટે પુરુષોતમભાઇ રૂપાલા
* ડો.રિંકલભાઇ મેઘાણી માટે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા
* દક્ષાબેન વસાણી માટે રઘુવંશી સમાજ
* અશ્વિનભાઇ ભોરણિયા માટે પુરુષોતમભાઇ રૂપાલા
* સોનલબેન સેલારા માટે વજુભાઇ વાળા

વાયરલ થયેલી પેનલ
* મેયર માટે નેહલ શુકલ, ડેપ્યુટી મેયરપદ અંજનાબેન મોરજરિયા, સ્ટે. ચેરમેનપદ પરેશ પીપળિયા, નેતા માટે કાળુભાઇ કુગશિયા, દંડક તરીકે ભારતીબેન પરસાણાનું નામ
* મેયર માટે મનિષભાઇ ભટ્ટ, ડેપ્યુટી મેયરપદ મિતલબેન લાઠિયા, સ્ટે. ચેરમેન પદ ટીકુભા(નરેન્દ્રસિંહ), નેતા માટે નિલેષભાઇ હેરભા જયારે દંડક તરીકે હજુ નામ વાયરલ થયુ નથી.
* મેયર માટે ડો.રિંકલભાઇ મેઘાણી, ડેપ્યુટી મેયરપદ દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેનપદ નેહલ શુક્લ, નેતા માટે અશ્વિનભાઇ ભોરણિયા અને દંડક તરીકે સોનલબેન સોલારાના નામ વાયરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *