હોસ્ટેલમાં રાત્રીના ભોજન બાદ ઉલ્ટી, પેટમાં દુ:ખાવાની ફરિયાદ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગોળીયાપુરા ખાતે આવેલી આ હોસ્ટેલમાં રાત્રિના સમયે ભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થીઓની તબિયત બગડવા લાગી હતી. અંદાજે 18થી 20 જેટલા બાળકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ થતા હોસ્ટેલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂૂ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રે પીરસવામાં આવેલા ભોજનમાં કોઈ ખામી હોવાને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરૂૂપે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જેથી વધુ બાળકો તેની અસરમાં ન આવે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
