સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (S.F.A.C.)ના નિયમ મુજબ દર 10.36 ચો.કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન જરૂરી : 161 ચો.મી.નો ઘેરાવો ધરાવતા રાજકોટમાં માત્ર 8 ફાયર સ્ટેશન કાર્યરત, બીજા માત્ર 4 જ નવા બને છે
રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે અને ઘણી વખત આ કૂવો પણ ટૂંકો પડે તેવી હાલત સામે આવી છે. એક તો કહેવાતા આ સ્માર્ટ સિટીમાં જે રીતે બાવન માળની બિલ્ડીંગના પ્રોજેક્ટ આવી રહ્યા છે. હાલ 21 માળથી ઉંચી બિલ્ડીંગો તો છે જ. જેની સામે તંત્રનું ફાયર કવચ બુઠ્ઠી તલવાર જેવુ હોવાની ઓનપેપર હકિકત સામે આવી છે.
હાલ ચોમાસાની સિઝન ચાલુ છે. ન કરે નારાયણ અને હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ કે અન્ય કોઇ દૂઘર્ટના બને તો હાલત શું થાય એ કલ્પના માત્રથી ભયનું લખલખુ પ્રસરી જાય તેમ છે. આ બધી કઠણાઇ પાછળનું કારણ એ છે કે, મનપાના ફાયર બ્રિગેડનું વ્યવસ્થા તંત્ર પાંગળુ છે. કોઇપણ વિકસિત સિટી માટે સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (એસ.એફ.એ.સી.)ના નિયમ મુજબ દર 10.36 ચોરસ કિલોમીટર દીઠ તમામ સાધન સરંજામથી સજ્જ એક ફાયર સ્ટેશન હોવુ જોઇએ. જેની સામે 161 ચોરસ કિલોમીટરનો ઘેરાવો ધરાવતા રાજકોટમાં હાલ કાર્યરત તો માત્ર 8 જ ફાયર સ્ટેશન છે અને બીજા નવા 4 બની રહ્યા છે આ નવા બનતા ફાયર સ્ટેશનની ગણતરી કરવામા આવે તો પણ રાજકોટ મનપાના હદ વિસ્તારમાં ચાર ફાયર સ્ટેશનની ઘટ છે.
શહેરના વેસ્ટ ઝોનમાં શિવ આરાધના વિસ્તારમાં રહેતા એક અભ્યાસુ જાગૃત નાગરિ સુનિલભાઇ જી. કથિરિયાએ રાજકોટના ફાયર બ્રિગેડના વ્યવસ્થા તંત્રનું પોર્સ્ટમોટમ કરતા આ ગંભીર હકિકત સામે આવી છે. રાજકોટ મનપાના હાલ 8 ફાયર સ્ટેશન ઉપરાંત નવા ચાર ફાયર સ્ટેશન બજરંગવાડી, પરસાણા ચોક, વિરાટનગર અને માસ્તર સોસાયટી પાસે બની રહ્યા છે. તેને બાદ કરતા પણ શહેરના વિકસિતા સીમાડાને ધ્યાનમાં રાખીને આવા વિકસિત વિસ્તારો માટે ફાયર સ્ટેશનનું વ્યવસ્થા તંત્ર ટુંકુ પડે તેમ છે. ભવિષ્યની જરૂૂરિયાત અને સંભવિત દૂઘર્ટનાને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન જરૂૂરી બની ગયુ છે.
ઘંટેશ્વરથી ગોંડલ રોડ(રિંગ રોડ-2) પર બનતી ગગનચુંબી હાઇરાઇઝ ભગવાન ભરોસે
કાં તો કાલાવડ રોડ, કાં તો મવડી ફાયર બ્રિગેડથી બચાવ ટીમ પહોંચે એ પહેલાં તો વેગડી વિંહાઇ જાય!
ગંભીરતા એ છે કે, જ્યા શહેરના સીમાડા વિસ્તરી રહ્યા છે તેવા ખાસ કરીને રિંગરોડ-2માં ઘંટેશ્વરથી લઇને છેક ગોંડલ રોડ સુધીના સલંગ્ન વિકસિત વિસ્તારો સુધી ફાયર ફાયટર પહોંચવામાં ખાસો સમય વીતી જાય તેમ છે. રિંગરોડ-2 હાલ શહેરનો સૌથી વધુ વિકસિત વિસ્તાર છે. અહીં ગગનચુંબી ઇમારત બની રહી છે. લાખોની સંખ્યામાં ફ્લેટ અને કોમર્શિયલ યુનિટ બની રહ્યા છે. રિંગરોડ-2 સલંગ્ન વિસ્તારમાં આગ કે અન્ય કોઇ દૂર્ઘટના બને તો કાં તો કાલાવડ રોડ(નિર્મળા રોડ) ફાયર બ્રિગેડ, કાં તો મવડી ફાયર બ્રિગેડથી ફાયર ફાયટરો દોડાવવા પડે તેમ છે. રિંગરોડ-2 માટે કટારિયા ચોકડી આસપાસ નવા ફાયર સ્ટેશનની શોધ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે પરંતુ મનપાનુ આ આયોજન ક્યારે સાકાર થાય એ હજુ અધ્ધરતાલ જ છે.
મહેકમમાં પણ 40 ટકા ઘટ, મુખ્ય ચીફ ફાયર ઓફિસરની જગ્યા જ ઇન્ચાર્જથી ચાલે છે
મનપાના ફાયર બ્રિગેડ સ્ટેશનના વ્યવસ્થામાં જ નહીં પણ સ્ટાફમાં પણ તોતીંગ ગાબડું છે. 40 ટકા જેટલી ઘટ છે. કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ગાઇડલાઇન મુજબ કોઇપણ મહાનગરપાલિકા વિસ્તારમાં આર્દશ ફાયર સ્ટેશનમાં એક સ્ટેશન ઓફિસર, 1 સિનિયર ક્લાર્ક, 2 જુનિયર ક્લાર્ક, 2 કોમ્પ્યુટર ઓપરેટર, 50 ફાયર જવાનો, 1 પ્યુન અને 1 સફાઇ કામદાર હોવા અનિવાર્ય છે. જેની સામે રાજકોટના મોટાભાગના ફાયર બ્રિગેડ સ્ટેશનમાં ફાયર જવાનો પાસે ક્લાર્કનું કામ કરાવવામા આવતુ હોવાની પણ એક હકિકત સામે આવી છે.
