રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા આગામી ગુરુવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામા આવી છે. મિલકત કોની છે? તેનો વેરો કેટલો આવે છે? કેટલો બાકી છે? કેટલા ચોરસફૂટનું બાંધકામ છે? એ સહિતનો ઇતિહાસ આંગળીના ટેરવે નીકળી શકે છે. જે તે મિલકતનો ઉતરોતર, સ્ટેટસ, લોન સહિતનો બોજ સહિતની વિગત માટે કચેરી સુધી ધક્કો ખાવો ન પડે એ માટે રાજ્ય સરકારના પોર્ટલ અગઢછઘછ સાથે રેવન્યૂ સર્વે રેકોર્ડ અને મિલકતની તમામ પ્રકારની માહિતી લીંકઅપ કરવાની પણ એક યોજના છે. રેવન્યૂ લીંકઅપમાં મિલકતની તમામ પ્રકારની માહિતી, પોપર્ટી કાર્ડની વિગત સહિતનો ડેટા ઓનલાઇન જોઇ શકાશે.
મિલકત ખરીદનાર વ્યક્તિ આંગળીના ટેરવે બધુ જ ઓનલાઇન જોઇ શકશે. મિલકત ઉપર કોઇ કેસ અથવા તો બેંક લોનનો બોજ નથી એ પણ જાણી શકાશે. સ્થાનિક ઉપરાંત બહારની વ્યક્તિ માટે આ સિસ્ટમ વધુ ફાયદાકારક બની જશે. એકપણ પ્રકારની હકિકત મિલકત વેંચનાર છુપાવી નહીં શકે. આ જ પ્રકારે મનપા શહેરની તમામ મિલકતોનું જીઓ ટેગીંગ કરી રહી છે. જેમા બાકી રહેતી 3 લાખ જેટલી મિલકતોના ટેગિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવા ગુરુવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામા આવી છે. આ ઉપરાંત આજી નદી અને શહેરના વોંકળાઓ ઉપર ડ્રોનથી મચ્છરનાશક દવાનો છંટકાવ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા માટેની પણ દરખાસ્ત રજૂ થઇ છે.
અન્ય આટલી દરખાસ્તો
* વોર્ડ નં.18માં કોઠારિયા ગામતળથી શિવ ભવાની રેસીડેન્સી(જુનુ કેશરીનંદન) પાસે બોક્સ કલ્વર્ટ બનાવવુ
* શહેરના જુદા જુદા ટીપી પ્લોટમાં વૃક્ષારોપણ કરવુ
* વોર્ડ નં.18માં રોલેક્ષ રોડને સાઇબાબા સર્કલથી ભવાની ચોક, કોઠારિયા મેઇન રોડ સુધી સીસી રોડ બનાવવો
* શહેરના ટ્રાફિક સર્કલ પર બનાવવામા આવેલા આઇલેન્ડની જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ આપવો
* સામાકાંઠે વિવિધ બગીચાઓ, સિનિયર સિટિઝન પાર્ક અને બાલક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપવા
* આજી ડેમ ખાતે આવેલા દાદા હનુમાન મંદિરના રોડને હયાત સિમેન્ટ રોડથી બગીચાની દિવાલ સુધી અને મંદિરના ગેટ સુધી સીસી રોડ બનાવવો.
