દ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી

દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો…

દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં ઉપરના માળે એકાએક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગતા નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ફાયર વિભાગના જવાનોએ તાકીદે ઘટના સ્થળે પહોંચી, પાણીનો મારો ચલાવ્યો હતો. આગ ભયાવહ હોવાથી મહામુસીબતે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

જે રૂૂમમાં આગ લાગી હતી તેમાં કોઈ વ્યક્તિ ન હોવાથી તેમજ ફાયર વિભાગ સમયસર પહોંચી જતા જાનહાની ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 7 ફેબ્રુઆરીના રોજ સાંજે તેમજ 12 ફેબ્રુઆરીના રાત્રીના સમયે આગ લાગી હોવાના બનાવો બન્યા હતા. ત્યારે રવિવારે ફરી એક જ મહિનામાં ત્રીજી વખત લાગવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય વખત આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગ તેમજ નગરપાલિકા દ્વારા આ સંસ્થાના ટ્રસ્ટીઓને આ અંગે જાણ કરી અને વાયરીંગ અંગે જાગૃત કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી નથી તેમ કહેવાય છે.
આગામી દિવસોમાં દ્વારકા નગરપાલિકા દ્વારા આ ટ્રસ્ટની માલિકીની કુંડલીયા ભવનને આ અંગે નોટિસ પણ આપવામાં આવશે. આ કાર્યવાહીમાં નગરપાલીકા ફાયરબ્રિગેડના જીતેન્દ્ર કારડીયા, પ્રમોદસિંહ જાડેજા તથા મયુરસિંહ રાઠોડની મુખ્ય ભૂમિકા રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *