ફાયર બ્રિગેડની બે ટીમોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો
શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતા ફિલ્મ જોવા આવેલા દર્શકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડીગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ કોસ્મોપ્લેક્સ સિનેમામાં પર્પલ અને લોન્જ સ્કીન વચ્ચે આવેલી લોબીમાં બપોરે 1:20 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે સિનેમામાં ફિલ્મ જોવા આવેલા દર્શકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં કાલાવડ રોડ અને મવડી ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાયટર સાથે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળ્યો હતો.
આગ લાગી ત્યારે પર્પલ અને લોન્જ બન્ને સ્કીન બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક સ્કીન ચાલુ હોય આગને પગલે સાવચેતીના ભાગરૂપે તે સ્કીન પણ બંધ કરી દર્શકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. આગમાં પીઓપી બળીને ખાખ થઈ ગયું હતું. જો કે, મોટી નુક્શાની થઈ ન હતી કે, કોઈ જાનહાની થવા પામી ન હતીં.
અમુલ સર્કલ પાસે કાસ્ટિંગના કારખાનામાં આગ
શહેરના અમૂલ સર્કલ પાસે આવેલી આજી જીઆઈડીસી વિસ્તારમાં સ્થિત કાસ્ટ એન્ડ બ્લોવર કંપનીમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાની સાથે જ બેડીપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કંપનીના કલર બુથ મશીનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ટીમ દ્વારા 1 કલાક સતત પાણીનો ચલાવી સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આગની ઘટનામાં કંપનીમાં રહેલ 3 કલર બુથ, પાણીનું જેટરીયું મશીન, પતરાના શેડ પર લગાવેલ સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાયરીંગ તેમજ રો મટીરિયલ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને કારણે અંદાજે 6 થી 7 ટન જેટલો માલ બચાવી લેવામાં આવ્યો હતો.
