ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, TRPકાંડની યાદ તાજી

ડાન્સિંગ લાઈટમાં શોર્ટ સર્કિટના તણખાથી આગ ભભૂકી ઉઠતા નાસભાગ : ફાયર સિસ્ટમ કાર્યરત થતા મોટી દુર્ઘટના અટકી શહેરમાં વર્ષ 2024માં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના…

ડાન્સિંગ લાઈટમાં શોર્ટ સર્કિટના તણખાથી આગ ભભૂકી ઉઠતા નાસભાગ : ફાયર સિસ્ટમ કાર્યરત થતા મોટી દુર્ઘટના અટકી

શહેરમાં વર્ષ 2024માં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતાં આ ઘટનાએ રાજ્યભરમાં ઘેર પડઘા પાડયા હતાં. ત્યારે બે વર્ષ બાદ ગઈકાલે રવિવારે રાજકોમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની યાદ તાજી કરાવતો બનાવ સામે આવ્યો હતો. કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે ગેમઝોનની ફાયર ટીમ દ્વારા તાત્કાલીક આગ ઉપર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી ગઈ હતી. ફન બ્લાસ્ટ ગેમઝોનમાં ડાન્સીંગ લાઈટમાં શોર્ટ સર્કીટથી તણખા ખરતાં આગ લાગ્યાનું સામે આવ્યું છે. જો કે સદનશીબે આગ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના મોટા મવા મેઇન રોડ પર મટુકી રેસ્ટોરન્ટની પાછળ આવેલ ’ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં ગઈકાલે રવિવારે લોકો પરિવાર સાથે મોજ માણ પહોંચી ગયા હતા. ત્યારે સાંજે 7 વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બનતા રવિવારની રજા માણતા પરિવારો અને બાળકોની સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ રામાપીર અને કાલાવડ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તપાસ અનુસાર ગેમ ઝોનમાં ટ્રેમ્પોલિન સેક્શનની ઉપરના ભાગે ઇલેક્ટ્રિક પેનલ કે વાયરિંગમાં અચાનક સ્પાર્ક થયો હતો. આ શોર્ટ સર્કિટના કારણે તણખા નીચે પડ્યા હતા અને ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગતાની સાથે જ ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ વાગવા લાગ્યા હતા, જેનાથી સ્ટાફ અને ગ્રાહકો સતર્ક થઈ ગયા હતા. આ સાથે જ ગેમઝોનના ઇમરજન્સી એક્ઝિટ ગેટ તરફ દોડી લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. ગેમઝોનના સ્ટાફ દ્વારા જ ફાયર એસ્ટીગ્યુશર દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

ગઈકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ગેમઝોનમાં હાજર હતાં ત્યારે જ આ ઘટના બનવા પામી હતી. જો કે ફાયર સીસ્ટમ સક્રિય હોવાથી મોટી દુર્ઘટના અટી ગઈ હતી અને આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જો કે આ ઘટનાએ બે વર્ષ પહેલા બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની યાદ તાજી કરી દીધી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. ગેમ ઝોન પાસે ફાયર વિભાગની ગઘઈ અને નવા નિયમો મુજબ તમામ મંજૂરીઓ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આ તકે ઘટના સ્થળે હાજર રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીના જણાવ્યાનુસાર, ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં કોઈ સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું જણાવા મળેલ. સ્મોક ડિટેક્ટર દ્વારા એલર્ટ મળતા જ ગેમ ઝોનની ઇન્ટરનલ ફાયર સિસ્ટમ કાર્યરત થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આ ગેમ ઝોન પાસે ફાયર ગઘઈ અને જરૂરી તમામ મંજૂરીઓ હોવાનું પણ જાણવા મળેલ. તેમ છતાં સમગ્ર પરિસ્થિતિની ખાતરી કર્યા બાદ જ ગેમ ઝોનની ફરી શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *