રાજકોટમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં સગપણ બાદ યુવતીએ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવ્યું હતું જે મુદ્દે યુવતી અને તેના ભાવિ ભરથાર વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે લાગી આવતાં ભાવી ભરથારે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું જે અંગે જાણ થતાં પાડોશમાં રહેતી વાગ્દતાએ પણ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. યુવક અને યુવતીની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં રહેતાં ધર્મેશ દિનેશભાઈ ધોરીયા નામનો 20 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ધર્મેશ ધોરીયાની પાડોશમાં રહેતી મંગેતર પુજાબેન વિનોદભાઈ બોખાણી (ઉ.21)એ પણ આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ધર્મેશ ધોરીયા અને પુજાબેન બોખાણીની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ધર્મેશ ધોરીયા અને પુજાબેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ છે અને બે વર્ષ પહેલા જ બન્નેની સગાઈ થઈ હતી. પુજાબેને ઈન્સ્ટાગ્રામમાં આઈ.ડી. બનાવ્યું હતું. જે મુદ્દે ધર્મેશ ધોરીયા અને પુજાબેન વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ લાગી આવતાં ધર્મેશ ધોરીયાએ ફિનાઈલ પી લીધું હતું.
ભાવી ભરથારે આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતાં પુજાબેને પણ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
