નલિયામાં 9 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી સે. તાપમાન, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ઠંડીએ અસ્સલ રંગ બતાવ્યો છે અને બર્ફીલા ઠંડા પવનોના કારણે લોકો હાડધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે ઠંડીની લહેર જોવા મળી રહી છે. જયારે આગામી તા.15 જાન્યુઆરી સુધી 16થી 20 કિલોમીટરની ઝડપે ઠંડા અને સુકા પવનો ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે ત્યારબાદ ઠંડીમાં થોડી રાહત મળવાની આગાહી છે. ખાસ કરીને ન્યુનતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
આજે રાજયમાં સૌથી નીચુ તાપમાન નલીયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે. જયારે રાજકોટમાં બીજા નંબરે 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન છે. રાજયના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે નોંધાયું છે.
ગુજરાતમાં હાલ 12થી 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 9થી 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 થી 20 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જ્યારે અમુક સમયે ઝટકાના પવન હોય, ત્યારે 22થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે બુધવારે ગુજરાતના હવામાનની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે 13મી જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. જે બાદ ધીરે ધીરે તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
