સુરતમાં 4.60 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ; સવાર સુધીમાં 33 તાલુકા ભીંજાયા બાદ સવારથી અનેક વિસ્તારોમાં મંડાણ, લોકોના હૈયે ટાઢક
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા અંતે રીજયા છે અને આજે સવારથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના હૈયે ટાઢક કરાવતી મેઘસવારીનું આગમન થયું છે. આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજયના 33 તાલુકામાં છુટોછવાયો 2.60 ઇંચ સુધી વરસાદ નોંધાયા બાદ આજે સવારથી સુરત-વલસાડ- નવસારી- તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી- જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મંડાયા છે.
અત્યાર સુધી સુરત નજીક ચોમાસુ અટકયું હતું પરંતુ રાતે સુરતમાં 2.60 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે 6 થી 10 વચ્ચે વધુ બે ઇંચ વરસાદ પડી જતા સુરતમાં પાણી ભરાયા હતા. આ પૂર્વે આજે સવારે 6 વાગ્યા સુધીમાં સુરતમાં 2.60, વાલોદમાં 2.05, માંગરોળમાં 1.65, કામરેજમાં 1.65, પલસાણામાં 1.34, આરેઠમાં 1.26, ઉમરગાંવમાં 1.06 ઇંચ સહીત 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 33 તાલુકામાં વરસાદ નોંધાયા બાદ આજે સવારે 6 થી 10 વચ્ચે સુરતમાં 51 મી.મી., કામરેજમાં 1.42 ઇંચ, ઓલપાડમાં 1.34 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ, ધરમપુર-ચોર્યાસીમાં એક ઇંચ, નવસારીમાં 0.87, વ્યારામાં 0.43 તેમજ સૌરાષ્ટ્રના રાજુલા-જાફરાબાદમાં 0.28 ઇંચ, ખાંભામાં 0.24 વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉના અને જૂનાગઢ પંથકમાં પણ વરસાદ પડી રહ્યાના વાવડ છે. માંગરોળમાં રાત્રે 1.65 ઇંચ તથા સવારે વધુ 1.18 ઇંચ વરસાદ પડી ગયો છે. સવારથી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો હોવાની વરસાદ પડવાની શક્યતા છે.
આજથી પાંચ જુલાઇ સુધી મેઘરાજા જમાવટ કરશે
હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધવા તેમજ સ્થાનિક સ્તરે મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા છે.આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા અને વીજ ગર્જના સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં અચાનક ફેરફારને કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
