ડેડીયાપાડાનાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા પડયા બાદ આદિવાસી વિસ્તારમાં મોટા આંદોલનનો સળવળાટ શરૂ થયો છે અને આગામી તા.બીજી જુલાઇના રોજ ચાર રાજ્યોના આદિવાદી ઓના સંમેલનનું આયોજન કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
આગામી 2 જુલાઈએ વિશાળ “સામાજિક જનસમર્થન સભા” યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ડેડિયાપાડામાં આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે 2 જુલાઈ, ગુરુવારના રોજ સવારે 11 વાગ્યે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ રીતે સામાજિક જનસભાનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સજા પામેલા નવ લોકોને ન્યાય મળે તે મુદ્દે અવાજ ઉઠાવવામાં આવશે.બેઠક બાદ આદિવાસી સમાજના યુવા નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી સતત ફોન આવી રહ્યા હતા અને લોકો સમર્થન કાર્યક્રમ અંગે માહિતી મેળવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે તમામ સામાજિક આગેવાનોની સહમતીથી 2 જુલાઈએ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના તમામ લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોને તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
નિરંજન વસાવાના જણાવ્યા મુજબ ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસો અને એફઆઈઆર તેમજ કોર્ટના ચુકાદા બાદ પ્રશાસનના વલણને લઈને સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે આ મુદ્દે લોકો સ્વયંભૂ રીતે સમર્થન આપવા આગળ આવી રહ્યા છે અને તેથી મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.
