અંતે બોકાસો બોલાવતી ઠંડીનો રાઉન્ડ, નલિયામાં 5 ડિગ્રી

કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડયો, મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 13 ડિગ્રી નીચેે બર્ફિલા પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ, રાજકોટ-અમરેલી- ભુજમાં 10…

કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડયો, મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 13 ડિગ્રી નીચેે

બર્ફિલા પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ, રાજકોટ-અમરેલી- ભુજમાં 10 ડિગ્રી નીચે પારો

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીમાં ત્રણેક દિવસ રાહત મળ્યા બાદ ગઇકાલે માવઠા બાદ સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થતા લોકો સવારથી જ ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં ગઇકાલે કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડયા બાદ સાંજથી અચાનક સુસવાટા મારતો પવન નીકળ્યો હતો અને તેના કારણે રાતોરાત તાપમાનમાં 0.7 ડિગ્રી સે.થી માંડી 5.3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે આજે સવારથી બોકાસો બોલાવતી ઠંડીનો અનુભવન થઇ રહ્યો છે.

આજે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી છે. અહીં તાપમાનનો પારો પાંચ ડિગ્રીએ સરકી ગયો છે. ગઇકાલે નલીયામાં તાપમાન 10.3 ડિગ્રી હતું જે આજે ઘટીને પાંચ ડિગ્રી થઇ ગયું છે. આ સિવાય ડિસામાં પણ તાપમાન 8.4 ડિગ્રી, અમરેલીમાં 9.4, રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે ભુજમાં પણ તાપમાન 9.8 ડિગ્રી સે. નોંધાયુ છે. ગિરનાર ઉપર 7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

ગુજરાતમાં એકમાત્ર ઓખાને બાદ કરતા મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો 13 ડીગ્રી નીચે સરકી ગયો છ. ઉપરાંત્ત 6 થી 10 કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાઇ રહયો હોવાથી લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે પણ આજથી કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે.હિમાલયમાં થયેલી હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર
ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે. આજે લઘુતમ તાપમાન 3 ડીગ્રી ઘટીને 13.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ વધીને 14 કિ.મી. પ્રતિ કલાકની થઈ હતી. ભાવનગરમાં ઠંડો પવન પવન ફૂંકાતા તેમજ લઘુતમ તાપમાન ઘટતા ઠંડીની તીવ્રતા વધી છે. આજે શનિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 3 ડીગ્રી ઘટીને 13.1 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 56 ટકા રહ્યું છે. જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

દેવભૂમિ દ્વારકા
ખંભાળિયામાં આજે નોંધપાત્ર ઠંડી સાથે તાપમાનનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખંભાળિયા તાલુકામાં ગતસાંજથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસ પૂર્વે ગરમી જેવા માહોલ વચ્ચે એકાએક તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા હાડ થીજવી દયે તેવી ઠંડી અનુભવાય રહી છે. ગઈકાલે પવનનું જોર રહેતા ઠંડીની માત્રા ઓર વધારે અનુભવાતી હતી. આજે વહેલી સવારે પણ ગાત્રો થીજવી દયે તેવી ઠંડી વચ્ચે ટેમ્પરેચર 11-12 ડિગ્રીએ પહોંચી ગયું હતું. કડકડતી ટાઢ વચ્ચે આજે સવારે બજારો મોડી ખુલી હતી. સંભવિત રીતે આ મોસમની સૌથી વધુ ઠંડી હાલ અનુભવાય રહી છે. ત્યારે બાળકો અને બુઝુર્ગો ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. આ વચ્ચે અબોલ પશુ-પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ક્યાં કેટલી ઠંડી
નલિયા 5 ડિગ્રી
ડિસા 8.4 ડિગ્રી
રાજકોટ 9.5 ડિગ્રી
અમરેલી 9.4 ડિગ્રી
અમદાવાદ 12.5 ડિગ્રી
વડોદરા 12.8 ડિગ્રી
દ્વારકા 12.2 ડિગ્રી
પોરબંદર 10.2 ડિગ્રી
ભૂજ 9.8 ડિગ્રી
ભાવનગર 13.1 ડિગ્રી
કંડલા 12.0 ડિગ્રી
ગિરનાર 7.0 ડિગ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *