રાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશ

36 બેઠકો પૈકી 33માં ત્રિપાંખિયો જંગ, 9.56 લાખ મતદારો ઘડશે ભાવિ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ…

36 બેઠકો પૈકી 33માં ત્રિપાંખિયો જંગ, 9.56 લાખ મતદારો ઘડશે ભાવિ

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર ભાજપ જ તમામ 36 બેઠકો લડે છે. કોંગ્રેસ 34 તથા આમ આમદી પાર્ટીના 33 બેઠકો પર ઉમેદવાર છે. અપક્ષની સંખ્યા માત્ર ચાર જ હોવાથી ગ્રામ્ય રાજકારણમાં સીધો જ ત્રિપાંખિયો જંગ થવાનું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કુલ 109 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

કુલ આઠ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચ્યા હતા.અગાઉ 43 ઉમેદવારોના ફોર્મ ચકાસણી વખતે રદ થયા હતા. 109માંથી સૌથી વધુ 36 ઉમેદવારો ભાજપના છે જ્યારે કોંગ્રેસના 34, આમ આદમી પાર્ટીના 33, બહુજન સમાજ પાર્ટી તથા અન્ય પક્ષના 1-1 અને અપક્ષ તરીકે ચાર ઉમેદવારો છે.કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી ચરખડી અને સરધાર બેઠક પર તેના કોઇ ઉમેદવાર નથી. ચરખડીમાં પાર્ટીનું ઉમેદવારી ફોર્મ જ રજાુ થયું નહતું જ્યારે સરધારમાં પાર્ટીએ ઢાંકેચાને ટીકીટ આપી હતી જેઓએ ભાજપનો ખેસ પહેરીને ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

જો કે, આ બેઠકો પર અન્ય ઉમેદવારો અકબંધ રહેતા તે બિનહરિફ થઇ ન હતી. આ જ રીતે આમ આદમી પાર્ટી (આપ)ના સુપેડી, પેઢલા તથા જામકંડોરણામાં ઉમેદવાર નથી જ્યાં અન્ય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠકો પર બિનહરિફ થઇ શકી નહતી.રસપ્રદ વાત એ છે કે, જિલ્લા પંચાયતની 36માંથી 28 બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે જ્યાં 3-3 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ચાર બેઠકો પર સીધો દ્વિપક્ષી જંગ છે અર્થાત બે-બે ઉમેદવારો વચ્ચે જ મુકાબલો છે. આ બેઠકોમાં ચરખડી, સુપેડી, પેઢલા તથા જામકંડોરણા બેઠક સામેલ છે.આ સિવાય જસદણ તાલુકાના ભાડલા બેઠક પરથી સૌથી વધુ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બે અપક્ષ છે. આ જ રીતે રાજકોટ તાલુકાના આણંદ પર તથા ઉપલેટા તાલુકાની ડુમીયાણી બેઠકોમાં 4-4 ઉમેદવારો રહ્યા છે.રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે જિલ્લા લેવલે અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી છે. આ સંજોગોમાં સીધો ત્રિપાંખીયો જંગ જ થવાના એંધાણ છે. પરિણામે ગ્રામ્યસ્તરે ચૂંટણી રસપ્રદ બનશે.

રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠક અને જિ.પં.ની 06 બેઠકોની ચૂંટણી માટે 172 મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ 1,34,482 મતદારો નોંધાયા છે. પડધરી તા.પં.ની 16 અને જિ.પં.ની 02 બેઠક માટે 88 મતદાન મથકોમાં 61,595 મતદારો નોંધાયા છે. લોધિકા તા.પં.ની 16 અને જિ.પં.ની 02 બેઠક હેઠળ 63 મતદાન મથકોમાં 46,602 મતદારો નોંધાયા છે. કોટડા સાંગાણી તા.પં.ની 16 અને જિ.પં.ની 02 બેઠક હેઠળ 85 મતદાન મથકોમાં 66,075 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ તા. 5. 22 અને જિ.પં.ની 05 બેઠક માટે 168 મતદાન મથકો નક્કી કરાયા છે અને 1,39,104 મતદારો નોંધાયા છે. જેતપુર તા.પં.ની 20 અને જિ.પં.ની 04 બેઠક હેઠળ 124 મતદાન મથકોમાં 1,02,037 મતદારો નોંધાયા છે.જામકંડોરણા તા.પં.ની 16 અને જિ.પં.ની 02 બેઠક માટે 81 મતદાન મથકોમાં 60,702 મતદારો નોંધાયા છે. ધોરાજી તા.પં.ની 16 અને જિ.પં.ની 02 બેઠક માટે 61 મતદાન મથકો નક્કી કરાયા છે અને 51,795 મતદારો નોંધાયા છે.

ઉપલેટા તા.પં.ની 18 અને જિ.પં.ની 03 બેઠક સાથે 91 મતદાન મથકો નક્કી કરાયા છે અને 73,973 મતદારો નોંધાયા છે. જસદણ તા.પં.ની 22 અને જિ.પં.ની 05 બેઠક માટે 147 મતદાન મથકોમાં 1,24,646 મતદારો છે. વિંછીયા તા.પં.ની 18 અને જિ.પં.ની 03 માટે 109 મતદાન મથકોમાં 95,511 મતદારો છે. આમ 11 તા.પં.ની કુલ 202 બેઠક અને જિ.પં.ની 36 બેઠક માટે 1189 મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ 9,56,522 મતદારો નોંધાયાં છે. હાલ જે વિગતો મળી રહી છે તેને અનુસરવામાં આવે તો આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણી પણ અત્યંત રસાકસી ભરી જોવા મળશે. ત્યારે તાલુકા પંચાયતમાં કયો પક્ષ બાજી મારશે તે હવે જોવાનું રહ્યું પરંતુ આ વખતે ભાજપ માટે પણ હાલ સરળ નહીં રહે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આવતીકાલ સવારે 7:00 કલાકે થી મતદાન શરૂૂ થઈ જશે.

 

તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 595 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થશે સીલ
રાજકોટ જીલ્લાના 11 તાલુકાની 202 બેઠકો માટે 595 ઉમેદવારો મેદાને છે જેમાં ભારતીય જનતા પાર્ટી માંથી 198, કોંગ્રેસમાંથી 178, બહુજન સમાજ પાર્ટીમાંથી 4, સમાજવાદી પાર્ટીમાંથી 4, આમ આદમી પાર્ટી ના 180 અને અપક્ષ માંથી 31 ઉમેદવારો મેદાને છે જેમાંથી ચાર બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. ત્યારે તાલુકા પંચાયતમાં પણ ત્રિપાંખ્યો જંગ જોવા મળશે. રાજકોટ તાલુકામાં ત્રણેય કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસે થશે. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ સેન્ટર નક્કી કરાયું. પરંતુ તેની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ તથા રિસિવિંગની કામગીરી શ્રી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતેતથી તથા મત ગણતરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. પડધરી તાલુકામાં ત્રણેય કામગીરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે થશે. ગોંડલ તાલુકામાં ત્રણેય કામગીરી માટે સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર નક્કી કરાયું છે. જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ચૂંટણી પ્રક્રિયા માટે ડિસ્પેચિંગ, રિસિવિંગ તથા મત ગણતરીની કામગીરી નવી ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા નક્કી કરાઈ છે. તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *