પારિવારિક સમસ્યાના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા, અગાઉ પણ ઝેરી દવા પીધી હતી
સુરત કોંગ્રેસના પૂર્વ લીગલ ક્ધવીનર અને હાલમાં વકીલાત કરતા એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય કારણસર જીવનથી કંટાળીને ગત બપોરે કેબલબ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જુનિયર વકીલની સાથે વાત કરીને આ વકીલે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. બે કાંઠે વહેતી તાપીમાં ફાયર વિભાગે તેમને શોધવા જહેમત શરૂૂ કરી હતી, જેમાં આજે વહેલી સવારે ફિરોઝ પઠાણનો મૃતદેહ ઉભરાટના દરિયાકિનારેથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફિરોઝ પઠાણ લોકસભા વિરોધપક્ષના નેતા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના વકીલ પણ રહી ચૂક્યા છે.
ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા એડવોકેટ ફિરોઝ પઠાણે ઇદે મિલાદના દિવસે જ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તેમના પિતા કોંગ્રેસના કોર્પોરેટર હતા, જ્યારે ફિરોઝભાઈ લીગલ ચેરમેનનો હોદ્દો બજાવી ચૂક્યા છે. શુક્રવારે સવારે ફિરોઝભાઈએ તેમના જુનિયર દીપકને ફોન કરીને કહ્યું હતું કે મને કશું પણ થાય તો કોર્ટની બાજુમાં આવેલા બ્રિજ ઉપર શોધવા આવજો.
જુનિયર વકીલે ત્યારે તેમને હિંમત આપતાં કહ્યું કે આવી વાતો ન કરાય, તમે ઓફિસે છો? ત્યારે ફિરોઝભાઈએ કહ્યું કે હું ઓફિસે જ બેઠો છું. ચિંતામાં દીપકભાઈ ઓફિસ ગયા હતા, પરંતુ ત્યાં ફિરોઝભાઈ મળ્યા ન હતા. દીપકે ફિરોઝભાઈના પુત્રને ફોન કરીને જાણ કરી હતી અને કેબલ બ્રિજ ઉપર શોધવા ગયા હતા. કેબલ બ્રિજ પર લોકોનું ટોળું જોઈ તેઓ ચોંકી ઊઠ્યા હતા. બ્રિજની નીચે પાર્કિંગમાંથી ફિરોઝભાઈની ગાડી મળી આવી હતી.
ફિરોઝભાઈએ તાપી નદીમાં કૂદી ગયા હોવાનું બહાર આવતાં પોલીસ અને તેમના પરિવારને જાણ કરાઈ હતી. આ બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં એની ટીમે તાપીના ધસમસતા પ્રવાહમાં તેમને શોધવાની જહેમત શરૂૂ કરી હતી. ફિરોઝભાઈની નજીકમાં રહેતા મિત્રોના કહેવા પ્રમાણે ફિરોઝભાઈ ઘરના તેમજ અન્ય કારણોને લીધે ત્રસ્ત હતા અને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા. પારિવારિક ઝઘડા તેમજ ફિરોઝભાઈએ મિલકત પર લોન લીધી હતી, જે ભરપાઈ કરવામાં પણ તકલીફ હોવાથી આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ તમામ કારણોથી ફિરોઝભાઈએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એડવોકેટ ફિરોઝ પઠાણ છેલ્લા કેટલાક સમયથી પારિવારિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં હતા. ગયા વર્ષે પણ તેમણે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, એ બાદ તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ફિરોઝ પઠાણ અગાઉ કોંગ્રેસના લીગલ સેલમાં પણ સક્રિય હતા. તેમના આ પગલાથી શહેરનાં કાનૂની વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.
