રાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને આચરવામાં આવ્યું કૌભાંડ ભાઈની સમયસૂચકતાથી ભાંડો ફૂટ્યો અને સાઇબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, મુંબઈ…

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને આચરવામાં આવ્યું કૌભાંડ

ભાઈની સમયસૂચકતાથી ભાંડો ફૂટ્યો અને સાઇબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વીડિયો કોલ અને મની લોન્ડરિંગના ખોટા આક્ષેપો કર્યા

રાજકોટ શહેરમાં સાયબર માફિયાઓ દ્વારા ગુનાખોરીના નવા કીમિયા અપનાવીને સામાન્ય નાગરિકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ રાજકોટના અયોધ્યા ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા હોમિયોપેથિક તબીબને ’ડિજિટલ અરેસ્ટ’ કરીને તેમની પાસેથી રૂ. 12.90 લાખ પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેવડાવાડી મેઈન રોડ પર આવકાર એપાર્ટમેન્ટ પાસે ક્લિનિક ચલાવતા રશ્મિબેન હેતલકુમાર શુક્લા (ઉ.વ. 52) સાથે આ ગંભીર સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. સાયબર માફિયાઓએ પહેલાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને તબીબને માનસિક દબાણમાં લાવી દીધા હતા અને તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગત તા. 09 ના રોજ સવારના સમયે રશ્મિબેન પર અનુજ અગ્રવાલ નામના અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. હિન્દી ભાષામાં વાત કરતા આ ઠગે પોતાને ઝછઈંઅ ના સીનિયર એડવાઈઝરી ઓફિસર તરીકે ઓળખાવ્યો હતો અને જણાવ્યું હતું કે રશ્મિબેનના ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને મુંબઈના ચેમ્બુર વિસ્તારમાંથી એરટેલનું એક સિમ કાર્ડ કઢાવવામાં આવ્યું છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ફ્રોડ કરવા માટે થયો હોવાનું જણાવીને તેણે દાવો કર્યો હતો કે આ નંબર વિરુદ્ધ ચેમ્બુર ઈઇઈંમાં ઘણી બધી ફરિયાદો મળી છે. આ ગંભીર મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે તેમ કહીને ઠગે તે કોલ મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ફોરવર્ડ કર્યો હતો, જ્યાંથી સમગ્ર છેતરપિંડીના નેટવર્કે ગતિ પકડી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ આગળ વધ્યા બાદ દેવી સિંઘ નામના વ્યક્તિએ ફોન સંભાળ્યો હતો અને દસ્તાવેજોની ચકાસણી બાબતે વાતચીત કરી હતી. ત્યારબાદ વોટ્સએપ પર ક્ધફેશન લખાવવા માટે વિડિયો કોલ આવશે તેમ કહીને ફોન કાપી નાખવામાં આવ્યો હતો. થોડા સમય બાદ વોટ્સએપ પર વિડિયો કોલ આવ્યો હતો અને સામેવાળા શખ્સે પોતાનું નામ વિજય ખન્ના હોવાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી વાત કરતો હોવાનો દાવો કર્યો હતો. આ વિડિયો કોલમાં માત્ર મુંબઈ ક્રાઈમ બ્રાંચનો લોગો જ દેખાતો હતો અને કોઈ વ્યક્તિ નજરે પડતી નહોતી. આ ઠગે રશ્મિબેન પર દબાણ વધારતા જણાવ્યું હતું કે તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કેનરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું છે, જેનો ઉપયોગ મોટા પાયે ફ્રોડ અને મની લોન્ડરિંગમાં થયો છે. આ કેસમાં નરેશ ગોયેલ નામના શખ્સને પકડવામાં આવ્યો છે અને તેના ઘરેથી રશ્મિબેનના નામવાળા એટીએમ કાર્ડ મળી આવ્યા છે તેમ કહીને ડરાવવામાં આવ્યા હતા.

ઠગ ટોળકીએ વોટ્સએપ મારફતે કેનરા બેંકનું એટીએમ કાર્ડ અને અન્ય દસ્તાવેજો મોકલીને ભોગ બનનારને વધુ ડરાવી દીધા હતા. ત્યારબાદ વિજય ખન્નાએ સમાધાન પવાર નામના અન્ય એક શખ્સનો પરિચય કરાવ્યો હતો, જેણે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે કલાકે-કલાકે વિડિયો કોલ કરીને હાજરી આપવા જણાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ઠગોએ રશ્મિબેનની માલિકીની તમામ મિલકતો, બેંક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક માર્કેટના રોકાણની વિગતો મેળવી લીધી હતી. હાઇકોર્ટના ઓર્ડર મુજબ નાણાં મની લોન્ડરિંગના છે કે નહીં તેની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા કરવાની છે તેમ કહીને આરબીઆઈના નામે એક બનાવટી પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવેલા એકાઉન્ટ નંબરો પર રશ્મિબેન પાસે કુલ રૂ. 12.90 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

ઠગોએ વિશ્વાસ અપાવ્યો હતો કે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ નાણાં એક દિવસમાં પરત કરી દેવામાં આવશે. પરંતુ, આટલેથી સંતોષ ન પામીને ઠગોએ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટની રકમ પણ વિડ્રો કરીને વેરિફિકેશન માટે જમા કરાવવા દબાણ કર્યું હતું. જ્યારે રશ્મિબેને મ્યુચ્યુઅલ ફંડ વિડ્રો કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમાં તેમના ભાઈ જયેશભાઈનું ઈ-મેઈલ આઈડી રજીસ્ટર હોવાથી ભાઈને મેઈલ મળ્યો હતો. ભાઈએ આ બાબતે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને તેમને ખબર પડી કે તેમની સાથે મોટું સાયબર ફ્રોડ થયું છે. આ બનાવ અંગે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *