પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ નાગરિકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા આપી ખાતરી
માલવીયાનગર પોલીસ મથક ખાતે યોજાયેલા લોક દરબારમાં ક્રાઈમ બ્રાંચ અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં પીડીએમ કોલેજ અને બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલા ચોકની ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરાઈ હતી.એટલું જ નહીં પીડીએમ, સર્વોદય કોલેજ અને મોટી સ્કૂલો પાસે આવારા તત્ત્વો બાઈક રાખી બેસતા હોવાની અને નવલનગર ઉપરાંત કૃષ્ણનગર મેઈન રોડ પર ધૂમ સ્ટાઈલના બાઈક ચાલકોનો ત્રાસ હોવાની રજૂઆત કરાઈ હતી.
પીડીએમ કોલેજ ચોક ખાતે સીસીટીવી કેમેરા લગાડવા અને વિસ્તારમાં આવેલા બગીચાઓમાં આવારા તત્વોનો ત્રાસ દૂર કરવા પોલીસ પેટ્રોલિંગ કરે, શાક માર્કેટમાં સાંજના સમયે સિવીલ ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ કરે, મંગળવારે ભરાતી બજારને કારણે હેવી વાહનો પર પ્રતિબંધ મુકાય અને શાક માર્કેટોમાં જરૂૂરી પોલીસ પેટ્રોલિંગ રાખવા બાબતે રજૂઆત કરાઈ હતી.ખોડિયારનગર શાક માર્કેટ ચોકમાં રેંકડી ધારકો રોડ બ્લોક કરતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા અંગે ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવા બાબતે રજૂઆત કરાઈ હતી.
પોલીસ કમિશ્નરે જયાં-જયાં સીસીટીવી કેમેરા લગાવવાની જરૂૂરિયાત હોય ત્યાં મનપા સાથે સંકલન સાધી સીસીટીવી કેમેરાઓ લગાડવા ખાતરી આપી હતી. એટલું જ નહીં વેપારીઓને ધંધાના સ્થળે સરકારની જોગવાઈ અનુસાર સીસીટીવી લગાડવા જાણકારી આપી હતી. ટ્રાફિકની સમસ્યા અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ ગોઠવવા ટ્રાફિક બ્રાંચને સૂચના આપી હતી.સાથોસાથ પોલીસ કમિશનરે લોકોને ડિજીટલ અરેસ્ટ બાબતે અજાણ્યા નંબર પરથી કોલ આવે તો નહીં ગભરાવા અને તત્કાળ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ઉપરાંત સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
