ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ

ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર…

ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર છોડી ક્રૂર માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જેની ફરિયાદ જેલ પ્રશાશનને કરતા સાથી કેદીએ ધમકી આપતા આ અમાનવીય વર્તન અને જાનથી મારી નાખવાની ધમકીથી ડરી ગયેલ પીડિત કેદીએ જેલમાં જ ગળાના ભાગે લોખંડનું પતરું મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, મૂળ જેતપુર તાલુકાના વીરપુરના વતની અને હાલ ચોરીના ગુના હેઠળ ગોંડલ સબ જેલની બેરેક નંબર 3 માં કાચા કામના કેદી તરીકે બંધ અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડે આ મામલે ગોંડલ સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની જ બેરેકમાં રહેતા અન્ય ત્રણ કેદીઓ અજય ઉર્ફે ટીડો ચનાભાઇ સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગનભાઇ પરમાર, અને દિલીપભાઈ ભરતભાઈ રાઠોડ તેમને રાત્રિના સમયે શાંતિથી સુવા દેતા નહોતા. આ આરોપીઓ પીડિત કેદી તરફ જાણીજોઈને ઉંદર તથા વાંદા છોડતા હતા, જેના કારણે તે ભયના માર્યા ઊંઘી શકતો નહી. આ ત્રાસ અંગે જ્યારે ભોગ બનનારે જેલના સિપાઈને ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ તેને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી હતી. આરોપી અજય ઉર્ફે ટીડાએ તેને ’તું પાછો બેરેકમાં તો અમારી સાથે જ આવીશ ને’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે ભાવિક અને દિલીપે ગંદી ગાળો ભાંડી હતી. આ માનસિક ત્રાસ સહન ન થતાં, અરવિંદ રાઠોડે જેલ કમ્પાઉન્ડમાં પડેલા લોખંડના પતરા વડે પોતાના ગળા પર પ્રહાર કરી લીધો હતો. લોહીલુહાણ હાલતમાં જેલ સ્ટાફે તેમને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *