અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ
શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની કરી ધરપકડ. આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દિપક રાજબરની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
આરોપીઓને હાઇવે સુધી લિફ્ટ નહિ આપતા હોટલના માલિક રાજેન્દ્રસિંગ ઉર્ફે શંકરભાઈ રાવની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જો વાત કરીએ તો ગત રાત્રે ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે ત્રણેય આરોપીઓ બેઠા હતા. ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભુરો ખિમસૂરિયા હોટલના માલિક રાજેન્દ્રસિંગને બાઈક પર ઓઢવ ઘરે મૂકવા જઈ રહ્યો હતો.
ત્રણેય આરોપીએ ભરતને હાઇવે સુધી મૂકી જવાનું કહ્યું. પરંતુ માલિકને મૂકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરીથી બંને પર હુમલો કર્યો હતો. જેમાં ભરત ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે હોટલના માલિક રાજેન્દ્રસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ આરોપીઓ દોઢ લાખ રૂૂપિયાની પણ લૂંટ કરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપીઓમાં જયેશ ઉર્ફે કાળુ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી છે. આરોપી જયેશ, દિપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી છે અને આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા મારામારી કરતા હોય છે. આ આરોપીઓ મોડી રાત સુધી મધુવન હોટલની નીચે બેસી રહેતા હોય છે. ઘટનાની રાત્રે પણ આરોપીઓએ પોતાનો રોફ જમાવવા ભરતને હાઇવે સુધી ઉતારી જવાની સૂચના આપી હતી. પરંતુ ભરતે ઇનકાર કરતા આરોપીઓ ઉશ્કેરાઈને હત્યા કરી દીધી હતી.
કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ફરિયાદીને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરીને વધુ તપાસ શરૂૂ કરી. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી. આ આરોપીઓએ દોઢ લાખની લૂંટ કરી હતી તો આ રૂૂપિયા ક્યાં છુપાયા છે અને હત્યા પાછળ કોઈ અન્ય અદાવત છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂૂ કરી છે.
