દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયા

ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના…

ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના પિતાનું મોત થયું હતું. રામજી રાઠોડ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. તેઓ દીકરીને પરીક્ષા અપાવવા માટે લઈને આવ્યા હતા. પોલીસે પણ દુ:ખદ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ગાંધીનગરના સેક્ટર 27 પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલા પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી અનેક યુવતીઓ આવી પહોંચ્યા હતા.

બનાસકાંઠાના થરાદના મોટીપાવડ ગામના રામજીભાઈ હેમરાજભાઈ રાઠોડ પણ તેમની દીકરીને કસોટી આપવા માટે ગાંધીનગર લઈ આવ્યા હતા. દીકરી પરેડ ગ્રાઉન્ડ પર હતી, ત્યારે રામજીભાઈ બહાર હતા. સોમવાર રાતથી પિતા અને દીકરી ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. જ્યાં વહેલી સવારે પાંચ વાગ્યે રામજીભાઈ બહાર રાહ જોઈ રહ્યા હતા, ત્યાં અચાનક તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તે સમયે ત્યાં હાજર લોકો રામજીભાઈને 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેઓએ દમ તોડ્યો હતો. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આમ, એક પિતા પોતાની દીકરીને ક્યારેય ખાખી વર્દી પહેરેલી નહિ જોઈ શકે. તેઓ તે પહેલા જ જિંદગીની જંગ હારી ગયા હતા. તો બીજ તરફ, દીકરી પોલીસ ગ્રાઉન્ડમાં હોવાથી તેને કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેને દુખદ સમાચાર આપવામાં આવ્યા ન હતા. દીકરી પિતાના મોતના સમાચારથી એકદમ અજાણ હતી. પરંતું બહાર આવતા જ જેમ તેને આ વાતની જાણ થઈ, તેના પર તળેથી જમીન સરકી ગઈ હતી. બહાર રાહ જોનારા તેના પિતા જીવંત રહ્યા ન હતા, તે સમજવું તેના માટે મુશ્કેલ બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *