સ્ટેન્ડિંગ કમિટિએ રજૂ કરેલું બજેટ બેઠાથાળે મંજૂર કરતી સામાન્ય સભા

વર્તમાન કોર્પોરેટરોના છેલ્લા બોર્ડમાં હાકલા પડકારા વચ્ચે 11 દરખાસ્તો મંજૂર વિપક્ષનો અવાજ દબાવવા શાસકોએ બંધ કરાવી દીધા માઇક એઇ બધુ બંધ કરી દે નહીં તો…

વર્તમાન કોર્પોરેટરોના છેલ્લા બોર્ડમાં હાકલા પડકારા વચ્ચે 11 દરખાસ્તો મંજૂર

વિપક્ષનો અવાજ દબાવવા શાસકોએ બંધ કરાવી દીધા માઇક

એઇ બધુ બંધ કરી દે નહીં તો મારવો પડશે શાસકના કોર્પોરેટરનો જનરલ બોર્ડમાં વાણી વિલાસ

તમે નેતા નથી ફકત વિપક્ષી સભ્યો છો તેમ કહી સ્ટેન્ડિંગ ચેરમેને અઢી વર્ષે વશરામભાઇને તેનું સ્થાન બતાવ્યું

છેલ્લા બોર્ડમાં જરૂરિયાત વગર હાથમાં માઇક પકડી ઉભા થઇ ફોટા પડાવવાનો લ્હાવો શાસક અને વિપક્ષે પણ લઇ લીધો

મહાનગરપાલિકાની બજેટ બોર્ડ આજરોજ મળેલ સ્ટેન્ડિંગમાં બજેટ મંજૂર કર્યા બાદ 11 દરખાસ્ત સાથેનો એજન્ડા બોર્ડમાં રજૂ કરવામાં આવેલ જે સર્વાનુમતે મંજૂર થયો હતો. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા બોર્ડમાં બજેટ સ્પીચ વાંચી સંભળાવી જણાવેલ કે, રાજકોટ વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા શહેરો પૈકી એક છે, એ હકિકતથી સૌ કોઇ વાકેફ છે. શહેર જે ઝડપથી વિસ્તરી અને વિકસી રહ્યું છે તે જોતા તેને આનુષાંગિક ભૌતિક સુવિધાઓ અને સેવાઓ શહેરીજનોને ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવું જ રહ્યું. એક તરફ લોકોપયોગી પરિયોજનાઓરૂૂપી સુવિધા આપવામાં, તો બીજી તરફ નાગરીક સેવાઓની મોટી જવાબદારી નિભાવવામાં તેમજ શહેરની વધતી જતી વસ્તી અને નવા વિકસતા વિસ્તારોને પુરી પાડવાની થતી સુવિધાઓ આપવામાં રાજકોટ મહાનગરપાલિકા મહદ્અંશે સફળ રહી છે તેનો સવિશેષ આનંદ છે.

અદ્યતન વૈશ્વિક ટેકનોલોજીના ઉપયોગ સાથે દેશમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનું માળખું ઉભું થાય અને તમામ વિસ્તારોનો સર્વસમાવેશી વિકાસ થાય તે માટે પ્રધાનમંત્રી સતત પ્રયત્નશીલ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની સફળ ગાથામાં વધુ એક યશકલગી ઉમેરતા, થોડા સમય પૂર્વે જ રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની વાઇબ્રન્ટ રીજીયોનલ સમીટ યોજવામાં આવેલ હતી, જેનું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ દેશ વિદેશના ઉપક્રમોએ ઉત્સાહભેર ભાગ લઈ અનેકવિધ સ્તરે એમ.ઓ.યુ. કરી, રાજકોટ શહેરના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસની ધુરાને વધુ મજબુત કરવાની દિશામાં આગળ વધેલ. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન છે અને સ્થાનિક સ્તરે પણ આ આયોજનને જે પ્રકારની સફળતા મળી એ જોતા એ સ્પષ્ટ છે કે, આપણું ભારત આર્થિક સુપર પાવર બનવાની દિશામાં ઝડપભેર આગેકૂચ કરી રહ્યું છે.

બોર્ડમાં બજેટના અભ્યાસ દરમ્યાન અવાર નવાર વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠીયાએ પીપીપી યોજના તેમજ ગત બજેટમાં બાકી રહી ગયેલ યોજનાઓને અભેરાઇ પર ચડાવી દીધા સહિતના મુદ્દા રજૂ કરી શાસક પક્ષને ભીડવવાનો પ્રયાસ કરાતા અમુક કોર્પોરેટરોએ માઇક બંધ કરાવી વશરામભાઇને બોલતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વિપક્ષને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે તેવા સુચનો પણ મેયરને કરવામાં આવેલ છતા સતત એક કલાક શાસકપક્ષે બજેટના મુદ્દાઓ ગણાવી બોર્ડનો સમય પૂર્ણ કરી નાખ્યો હતો અને અન્ય બોર્ડની માફક એક કલાકમાં કામગીરી આટોપી લેવામાં આવી હતી.

બજેટ બોર્ડમાં પણ 11 સભ્યો ગેરહાજર
મહાનગરપાલિકાનુ જનરલ બોર્ડ દર બે માસે બોલાવવામાં આવે છે. લોકોના પ્રશ્ર્નો બંન્ને પક્ષના કોર્પોરેટરો દ્વારા રજૂ કરી તેનુ નિરાકરણ લાવવામાં આવે છે. શહેરીજનોની સમસ્યાઓ અંગે તેમજ નવા પ્રોજેકટો માટે ચર્ચા થઇ શકે તે માટે જનરલ બોર્ડમાં તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહેવુ જોઇએ તેના બદલે દરેક બોર્ડમા શાસક અને વિપક્ષના સભ્યો ગેરહાજર રહેતા હોય છે. આજનુ બોર્ડ ચૂટાયેલ બોર્ડીનુ અંતિમ અને ખાસ કરીને બજેટ બોર્ડ હોવા છતા ભાજપના 10 અને કોંગ્રેસના 1 સહિત 11 કોર્પોરેટરો બોર્ડમાં ગેરહાજર રહેતા પ્રજાજનોના પ્રશ્ર્નો માટે બે મહિને ભરાતા બોર્ડમા પણ કોર્પોેરેટરોને હાજર રહેવુ અગત્યનું નથી લાગતુ તેવી ચર્ચા પ્રેક્ષક ગેલેરીમાં સંભાળતી હતી.

જૂની યોજનાઓ અભેરાઇએ ચડાવી, PPP કરવા પાછળ કોેને લાભ: વિપક્ષ

જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠીયાએ શાસકપક્ષને બજેટ અંગે અભિનંદન પાઠવી અમારા દ્વારા 20 યોજનાઓ અને કામોની યાદી માંથી અમુક યોજનાઓ અને કામો લેવા બદલ સ્ટેન્ડિંગ કમિટીનો આભાર માનું છું. અને તેની સાથે સાથે રાજકોટમાં 2026/27નું અંદાજપત્ર અંગે ચર્ચા કરતા પ્રથમ નજરે ચૂંટણીલક્ષી અને મળતીયા બિલ્ડરોને ખટાવી દેવાનું હોય તેવું દેખાઈ રહ્યું છે તેના ભાગરૂૂપે હું માહિતી આપું છું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી 14 યોજનાઓ બજેટમાં લીધી છે તેમાંથી સાત યોજનાઓ ફક્ત પીપીપી ધોરણે અમલમાં આવે તેવી યોજનાઓ છે તે ઉપરાંત બગીચા વિભાગ હોય રોશની વિભાગ હોય બાંધકામ વિભાગ હોય અર્બન ચેલેન્જ ફંડ વિભાગ હોય એકાઉન્ટ વિભાગ હોય આ વિભાગોમાં પીપીપી ધોરણે યોજનાઓ આપી દીધી છે.

બીજું આવાસ યોજનામાં બીઓટી ધોરણે બીઓટીનો અર્થ થાય છે બીલ્ડ ઓપરેટ ટ્રાન્સફર આનો ગુજરાતી અર્થ છે બાંધો ચલાવો અને સોપો આ બીઓટીના ધોરણે આવાસ યોજના બનાવવાની જે નીતિ છે તે પીપીપી યોજનાની મોટી બહેન લાગે છે કારણ કે કોઈપણ કંપની આ આવાસ યોજના બનાવશે પ્રથમ તેને બનાવશે પછી તેનું સંચાલન કરશે અને તેમાં 20 કે 30 વર્ષના મુદત માટે તેનું સંચાલન રાખે પોતાનો નફો અને ખર્ચ તમામ ઉમેરીને પછી તેને હપ્તા રૂૂપે જેમ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે રીતે ઉઘરાવવામાં આવશે અને મુદત પૂર્ણ થયે રાજકોટ મહાનગરપાલિકાને પરત સોંપવામાં આવશે આનો અર્થ બીઓટી થાય છે.ચાલુ વર્ષનું બજેટ બન્યું ત્યારે પણ અમે કીધેલું કે મોટા મોટા પ્રોજેક્ટ કરી મોટું અંદાજપત્ર બનાવવામાં આવે છે હકીકતમાં આ યોજનાઓ પાર ઉતરશે નહીં. તેવું મેં ચાલુ વર્ષના બજેટ બોર્ડમાં કહ્યું હતું તેના દાખલા હું આપને આપું છું.

રાજકોટમાં હાલ 10 જેટલી યોજનાઓ ફક્ત 2025/26ના બજેટમાં જ રહી ગઈ છે. જેમ કે રામનાથ મહાદેવ બ્યુટીફીકેશન જે છેલ્લા નવ વર્ષથી જાહેરાતો થાય છે ભગવાન રામનાથના નામે મત લેવાય છે અને કામ થતા નથી અને ભગવાન રામનાથના મંદિરમાં ચોમાસામાં રાજકોટની ગંદકીનું પાણી ફરી વળે છે અને નવા બજેટમાં આ યોજના કાઢી નાખવામાં આવેલ હોય તેવું દેખાય છે.

તેવી જ રીતે પશુ દવાખાનું બનાવવાની યોજના માલધારીઓને સાચવવા માટે મોટી મોટી જાહેરાતો કરી પરંતુ કામના નામે મીંડું છે તેવી રીતે રાજકોટ શહેર ની હદમાં જે મોટા રોડ આવી રહ્યા છે તે દરેક મોટા રોડ તરફ સ્વાગત ગેટ બનવવા ની યોજના પણ અભેરાએ ચડી ગય હોય તેવું લાગે છે અરે?ઓક્સિજન પાર્ક બનાવવાનું તો સાવ જ ભૂલી ગયા છે નવા ત્રણ શાક માર્કેટ પ્રોજેક્ટનું બાળ મરણ થઈ ગયું હોય તેવું દેખાય છે મેમોગ્રાફી વેક્સિન ફ્રી યોજના પણ અધર તાલે ચડી હોય તો એવું લાગે છે.

રાજકોટની સુંદરતા વધારવા માટે એક રોડને વિરાસત માર્ગ તરીકે વિકસાવવાનો હતો તે પણ ભુલાઈ ગયું છે બીજું સામાકાંઠેના પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ પણ ભૂલી ગયા છે અને હવે ગૌરવ પથ કે કે વી હોલથી મોટા મહુંવાના સ્મશાન સુધી બનાવવાનું નવા અંદાજપત્રમાં સામેલ કર્યું છે તેવી જ રીતે સ્કાય વોક ફૂટ ઓવર બ્રિજ લોકોને સુવિધા માટે બનાવવાના હતા પરંતુ હવે સુવિધાની લોકોને જરૂૂર હોય તેવું લાગતું નથી અને છેલ્લે ચુનારાવાડના પુલથી કેસરી હિન્દ પુલ સુધીના નદીના કાઠા વિસ્તારને રીવર ફ્રન્ટ બનાવવા માટેની યોજના પણ સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અંદાજપત્રમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી વોર્ડ નંબર 15માં આવેલ 99 નંબરની સ્કૂલ કે જે 17વર્ષ થી ભાડાના મકાનમાં ચાલે છે અને ચાર રૂૂમમાં ચાલે છે ત્યાં નવી સ્કૂલ બનાવવા માટેની અમારા કોર્પોરેટર કોમલબેન ભારાઈ ની માંગણી ને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી તે બહુ દુ:ખની વાત છે.

જનરલ બોર્ડમાં રજૂ થયેલ એજન્ડા
મ્યુનિ.કમિશનર દ્વારા તા.4ના રોજ રૂા.3595.70 કરોડનું 95 કરોડના કરબોજ વાળુ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવેલ જેમાં પાણી અને ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો સુચવામાં આવેલ સ્ટેન્ડિંગમાં બજેટનો અભ્યાસ કર્યા બાદ તમામ કરબોજ રદ કરી દેવામાં આવ્યા છે. અને સાથો સાથ 23 નવી યોજનાઓ પ્રોજેક્ટ સાથેનો સમાવેશ કરી આજે રૂા.3604.90 કરોડનુ ફાઇનલ બજેટ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતું. બજેટમાં 47 કરોડની નવી યોજના રજૂ કરતા બજેટનુ કદ 9 કરોડ વધવા પામ્યુ છે. બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખાસ કરીને મિલકત વેરા અને પાણી વેરા પર વ્યાજમાફી યોજના તથા ફલાવર બેડ માટે બીયુ રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પ્રધ્ધિતી, રેસકોર્ષ સંકૂલ બ્યુટિફીશેન, નવા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી, મોહનભાઇ હોલનુ રિનોવેશન, વોટર ડિસ્ટ્રીબ્યુશન મોનોટરીંગ, તમામ પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા, સિનીયર સીટીઝનના નામથી વૃક્ષારોપણ, નાનામવા બિજ્ર નીચે પીપીપી ધોરણે ગેમઝોન કાફેટેરીયા, ઇલે.બસ ચાર્જિંગ સ્ટેશન, નવી સ્ટ્રેનલ ઝોન ઓફિસ બિલ્ડિંગ, નમોવનનું નિર્માણ, વોર્ડ નં.12માં નવો સ્મીંગ પુલ, નવુ સોપીંગ સેન્ટર, ફૂડ ઝોન, મહિલા સુરક્ષીત સફર યોજના, ફાયર સેફટી, જન જાગૃતિ તાલીમ સહિતની નવી યોજનાઓ અને નવા પ્રોજેકટ સાથે વિકાસલક્ષી બજેટ રજૂ કરેલ જે મંજૂર કરવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *